અમદાવાદ: દેશની અગ્રણી લીગલ ફર્મ ‘સિરીલ અમરચંદ મંગળદાસ’ના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર સિરીલ શ્રોફ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) વચ્ચે ખાસ કરાર કરવામાં આવ્યા. ભવિષ્યના જનરલ કાઉન્સેલ્સ (GCs) માટે દેશના પ્રથમ પ્રકારના પ્રોગ્રામ “Cyril Shroff–IIMA GC Leadership Academy” સ્થાપવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
IIM અમદાવાદ કેમ્પસ ખાતે યોજાયેલા એક સમારોહમાં આ એકેડેમીનું અધિકૃત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ કોર્પોરેટ જગતમાં લીગલ કાઉન્સેલ્સની બદલાતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને વ્યાપારિક, વ્યૂહાત્મક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે સક્ષમ બનાવવાનો છે.
એકેડેમીની 4 મુખ્ય પ્રાથમિકતાઓ:
-
બોર્ડરૂમ અને એન્ટરપ્રાઇઝ લીડરશિપ: જનરલ કાઉન્સેલ્સને બોર્ડરૂમમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને લીડરશિપ આપવા માટે સક્ષમ બનાવવા.
-
બિઝનેસ, ફાયનાન્સ અને સ્ટ્રેટેજી: ફાઇનાન્સ, ગવર્નન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશનની ઊંડી સમજ આપવી.
-
ટેકનોલોજી, AI અને સાયબર સિક્યોરિટી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સાયબર સિક્યોરિટી જેવા ઉભરતા જોખમો સામે કાનૂની નેતાઓને તૈયાર કરવા.
-
ગ્લોબલ પીઅર લર્નિંગ: વૈશ્વિક સ્તરે સિનિયર જનરલ કાઉન્સેલ્સનું નેટવર્ક ઊભું કરવું અને નોલેજ એક્સચેન્જ પ્લેટફોર્મ પૂરું પાડવું.
IIM-Aના ડાયરેક્ટર પ્રો. ભરત ભાસ્કરે જણાવ્યું, “આ ભાગીદારી કાયદો, વ્યવસાય અને સુશાસન (LAW, BUSINESS & GOVERNANCE)ના સંગમ પર ભવિષ્યના ગ્લોબલ લીડર્સ તૈયાર કરશે. લીગલ ક્ષેત્રના નિષ્ણાતોને ફાઇનાન્સ અને AI જેવા વિષયોથી સજ્જ કરવા એ સમયની માંગ છે.”
સિરીલ અમરચંદ મંગળદાસના મેનેજિંગ પાર્ટનર સિરીલ શ્રોફે જણાવ્યું, “જનરલ કાઉન્સેલની ભૂમિકા હવે માત્ર કાનૂની સલાહકાર પૂરતી મર્યાદિત નથી રહી પણ તે બિઝનેસ લીડર બની ગઈ છે. આ એકેડેમી ભવિષ્યની લીગલ પેઢીને હેતુપૂર્ણ અને મજબૂત નેતૃત્વ પૂરું પાડવા માટે એક માધ્યમ બનશે.”




