બેંગલુરુઃ કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે કર્ણાટકના મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે તેમને મુખ્ય મંત્રીપદ અને ગોપનીયતાની શપથ અપાવ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, સિદ્ધારમૈયા સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ રહી કે ડી.કે. શિવકુમારે ભારતીય બંધારણની નકલ હાથમાં રાખીને શપથ લીધા હતા. ડી.કે. શિવકુમારની નવી સરકારમાં ઉપ મુખ્યમંત્રી તરીકે જી. પરમેશ્વરે પણ પદ અને ગોપનીયતાની શપથ લીધા હતા. તેઓ સિદ્ધારમૈયાના નજીકના સાથીદાર માનવામાં આવે છે.
કેબિનેટમાં તમામ મોટા સમુદાયોને પ્રતિનિધિત્વ
નવી કેબિનેટમાં વોક્કાલિગા, દલિત, લિંગાયત, મુસ્લિમ, ખ્રિસ્તી, અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) સહિતના સમુદાયોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે, જ્યારે ઉપ મુખ્યમંત્રી જી. પરમેશ્વર દલિત ચહેરા તરીકે સામેલ થયા છે.
કોણ-કોણ કેબિનેટમાં સામેલ?
ડી.કે. શિવકુમાર (મુખ્ય મંત્રી) અને ડો. જી. પરમેશ્વર (ઉપ મુખ્ય મંત્રી) ઉપરાંત કેબિનેટમાં કે.એચ. મુનિયપ્પા, કે.જે. જ્યોર્જ, એમ.બી. પાટીલ, રામલિંગા રેડ્ડી, સતીશ જારકિહોલી, કૃષ્ણા બાયર ગૌડા, પ્રિયંક ખડગે, યુ.ટી. ખાદર, ઈશ્વર ખાંડ્રે, યતીન્દ્ર સિદ્ધારમૈયા, બાયરાથી સુરેશ અને શરણ પ્રકાશ પાટીલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
લાંબા રાજકીય સંઘર્ષ બાદ મળી ખુરશી
આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડી.કે. શિવકુમાર લાંબા સમયથી મુખ્ય મંત્રી પદના દાવેદાર હતા. કોંગ્રેસમાં તેમને ‘ટ્રબલશૂટર’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે અનેક રાજકીય સંકટોમાં પાર્ટીને મહત્વપૂર્ણ રીતે સંભાળી છે.
#WATCH | Bengaluru: Chief Minister-designate D.K. Shivakumar takes oath as the Chief Minister of Karnataka#Karnataka #DKShivakumar #KarnatakaCM pic.twitter.com/GRJGkx7BnD
— All India Radio News (@airnewsalerts) June 3, 2026
દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી
ડી.કે. શિવકુમાર દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી ગણાય છે. તેઓ 1440 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિના માલિક છે અને દેશના સૌથી સમૃદ્ધ રાજકારણીઓ તથા ધારાસભ્યોમાં તેમની ગણના થાય છે. રાજકારણ ઉપરાંત તેઓ ખનન, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે સફળ ઉદ્યોગપતિ પણ છે. ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ)ના અહેવાલ અનુસાર ડી.કે. શિવકુમાર ભારતના સૌથી ધનિક ધારાસભ્ય છે.






