‘જાતિ’ વગર ઉત્તર પ્રદેશમાં નહીં ગળે દાળ?

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડ અને જાહેર નોટિસમાંથી તમામ જાતિ-સંદર્ભોને તાત્કાલિક દૂર કરવાની સાથે-સાથે વાહનો પર જાતિ આધારિત સ્ટિકર લગાવનારા અથવા નારા લખાવનારા પર મોટર વાહન અધિનિયમ હેઠળ દંડ લગાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં રાજકીય હેતુઓ માટે યોજાતી જાતિ આધારિત રેલી અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે જાતિ ગૌરવ કે ઘૃણાને પ્રોત્સાહન આપતી સોશિયલ મિડિયા પોસ્ટ પર કડક નજર રાખવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ જાતિ આધારિત ભેદભાવને સમાપ્ત કરવાનો છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ પોલીસ અધિકારીઓ અને જિલ્લા પ્રશાસન માટે જારી કરાયેલો આ આદેશ 16 સપ્ટેમ્બરના અલાહાબાદ હાઇકોર્ટના એક ચુકાદાને આદેશ તરીકે લેવામાં આવ્યો છે. અધિકૃત આદેશ અનુસાર કાર્યકારી મુખ્ય સચિવ દીપકકુમારે સૂચના આપી છે કે આરોપીઓની જાતિ હવે પોલીસ રજિસ્ટરમાં, કેસની વિગતમાં, ધરપકડ દસ્તાવેજોમાં અથવા પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પર નોંધવી નહીં.

સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શહેરો અને ગામોમાં એવાં બોર્ડ અથવા સંકેતો દૂર કરવા અધિકારીઓને કહેવામાં આવ્યું છે, જે જાતિગત ઓળખનો મહિમા કરે છે અથવા કોઈ વિસ્તારને ચોક્કસ જાતિ સાથે જોડે છે. રાજ્યમાં જાતિ આધારિત રેલી અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઇન જાતિ આધારિત દુશ્મનાવટ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


સપાએ ઉઠાવ્યા પ્રશ્નો

સરકારના આ આદેશને લઈને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે સોમવારે X પર એક પોસ્ટ દ્વારા સત્તારૂઢ પક્ષ પર તીવ્ર પ્રહાર કર્યો હતો. યાદવે લખ્યું હતું કે 5000 વર્ષોથી મનમાં વસેલા જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે શું કરવામાં આવશે? અને વસ્ત્ર, વેશભૂષા અને પ્રતિક ચિહ્નોના માધ્યમથી થતા જાતિ પ્રદર્શનથી ઉપજેલા ભેદભાવને નાબૂદ કરવા માટે શું કરવામાં આવશે?