દરગાહ વિરુદ્ધ મંદિર વિવાદ: હાઇકોર્ટે અગાઉનો ચુકાદો યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ થિરુપપરંકુન્દ્રમ પહાડી પર આવેલા દીપ સ્તંભ પર કાર્તિકૈ દીપમ પ્રગટાવવાને મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મદ્રાસ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ આવ્યો છે. હાઇકોર્ટે પોતાનો અગાઉનો આદેશ યથાવત્ રાખ્યો છે. આ મામલે હિંદુ તમિળ પાર્ટીના નેતા રામ રવિકુમારે અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે દીપ સ્તંભ પર કાર્તિકૈ દીપમ પ્રગટાવવાની માગ કરી હતી. અગાઉ પણ કોર્ટે તહેવારના દિવસે દીપમ પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ એ સમયે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકાને કારણે આદેશ અમલમાં મૂકી શકાયો નહોતો.

 દીવો પ્રગટાવવાનો આદેશ યથાવત્

મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ડીએમકેના નેતૃત્વવાળી તામિલનાડુ સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટના સિંગલ ન્યાયાધીશના તે આદેશને યથાવત્ રાખ્યો છે, જેમાં દરગાહ નજીક થિરુપપરંકુન્દ્રમ પહાડીઓ પર આવેલા પથ્થરના સ્તંભ (જેને ‘દીપથૂન’ કહેવામાં આવે છે) પર દીવો પ્રગટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ જી. જયચંદ્રન અને કે.કે. રામકૃષ્ણનની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે જ્યાં પથ્થરનો સ્તંભ (દીપથૂન) આવેલો છે, તે સ્થળ ભગવાન સુબ્રમણ્યમ સ્વામી મંદિરનું છે.

ASIની સલાહ ફરજિયાત

કોર્ટે જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસને આ મુદ્દાને સમુદાયો વચ્ચેના મતભેદો ઉકેલવાની તક તરીકે જોવો જોઈએ હતો. એ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ પહાડી સંરક્ષિત સ્થળ છે, તેથી ત્યાં કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ સંબંધિત અધિનિયમની જોગવાઈઓનું કડક પાલન કરીને જ થવી જોઈએ. કોર્ટે એ પણ કહ્યું હતું કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની સલાહ લીધા પછી જ દીવો પ્રગટાવી શકાય અને તેમાં ભાગ લેનાર લોકોની સંખ્યા પણ નિર્ધારિત કરી શકાય.

 યાચિકાકર્તાએ ચુકાદાનું સ્વાગત કર્યું

યાચિકાકર્તા રામ રવિકુમારે હાઇકોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું અને તેને ભગવાન મરુગનના ભક્તોની જીત ગણાવી. તેમણે કહ્યું હતું કે કોર્ટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સરકારની અપીલ અરજી ફગાવી દેવામાં આવી છે. દીપથૂન પર દીવો પ્રગટાવવો જોઈએ અને મંદિર પ્રશાસને તેની માટે જરૂરી વ્યવસ્થાઓ કરવી જોઈએ. કાયદો-વ્યવસ્થા બગડવાની સંભાવનાનો હવાલો આપી સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલોને કોર્ટે નકારી કાઢી છે અને કહ્યું છે કે આ સરકારની નિષ્ક્રિયતા દર્શાવે છે. આ ચુકાદો તામિલનાડુના હિંદુઓ અને મરુગનના ભક્તોની જીત છે.