અમદાવાદ: મનપસંદ જીમખાનામાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ થોડાં દિવસો પહેલાં ચર્ચામાં આવ્યું હતું. આ મામલે પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા પછી જવાબદાર અધિકારીઓની બેદરકારીના પગલે રાજ્ય પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જી.વી. ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા PSI સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે પોલીસ વિભાગમાં પણ ચર્ચાઓ ચકરાવે ચઢી છે અને ફરજમાં બેદરકારી રાખનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ મળ્યો છે. સસ્પેન્શન બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવ્યો છે. નવા ઇન્ચાર્જ તરીકે તેઓ દરિયાપુર પોલીસ સ્ટેશનની કામગીરી સંભાળશે.
2 ઓગસ્ટની રાત્રે SMCએ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. ખાસ વાત એ હતી કે આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવી હતી. SMCએ સીધી કાર્યવાહી કરીને સમગ્ર જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન કુલ 187 જુગારીઓ ઝડપાયા હતા. આટલી મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાતા સમગ્ર રાજ્યમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો હતો. માત્ર એટલું જ નહીં, દરોડા દરમિયાન મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રોકડ રકમ સહિત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું હતું.
આટલા મોટા પ્રમાણમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવા અથવા યોગ્ય કાર્યવાહી ન કરવા અંગે અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં અધિકારીઓની બેદરકારી સામે આવતા હવે તેમની સામે સસ્પેન્શન જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. મનપસંદ જીમખાના કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે. જુગારધામના સંચાલન, તેમાં સંડોવાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર નેટવર્ક અંગે તપાસ આગળ વધી રહી છે.






