UNSC માં અસ્થાયી બેઠક માટે ભારતનું મહત્ત્વકાંક્ષી અભિયાન ‘SHANTI’

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અસ્થાયી સભ્યપદ મેળવવા માટે સત્તાવાર રીતે પોતાનું નવું વૈશ્વિક પ્રચાર અભિયાન શરૂ કર્યું છે, જેને ‘SHANTI’ નામ આપવામાં આવ્યું છે. ભારત વર્ષ 2028-29 ના બે વર્ષના કાર્યકાળ માટે આ બેઠક મેળવવા ઈચ્છે છે, જેની ચૂંટણી જૂન 2027 માં યોજાનાર છે. આ કેમ્પેઈન માત્ર એક સામાન્ય ચૂંટણી પ્રચાર નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે ભારતની રાજદ્વારી પ્રાથમિકતાઓ અને કૂટનીતિક વિચારસરણી દર્શાવે છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથકેથી આ અભિયાનની જાહેરાત કરી હતી. એશિયા-પ્રશાંત ક્ષેત્ર (Asia-Pacific Group) ની આ એકમાત્ર અસ્થાયી બેઠક માટે ભારતનો સીધો મુકાબલો તાજિકિસ્તાન સામે થશે. આ ચૂંટણીમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA) ના તમામ સભ્ય દેશો મતદાન કરશે.

શું છે યુએન સુરક્ષા પરિષદ (UNSC)?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટેનું વિશ્વનું સૌથી શક્તિશાળી સંગઠન છે. યુદ્ધ, આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય કટોકટીઓ પર નિર્ણયો લેવાની સત્તા આ પરિષદ પાસે છે. તેમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાંથી 5 કાયમી સભ્યો (અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ) છે જેમની પાસે વીટો પાવર (Veto Power) છે. બાકીના 10 અસ્થાયી સભ્યોને બે વર્ષ માટે ચૂંટવામાં આવે છે, અને ભારત આ જ બેઠક માટે દાવેદારી કરી રહ્યું છે.

શું છે ‘SHANTI’ અભિયાનનું ફૂલ ફોર્મ?

‘SHANTI’ એ અંગ્રેજી શબ્દોનું સંક્ષિપ્ત રૂપ છે. તેનું પૂર્ણ સ્વરૂપ: Securing Holistic Advancement through Norms, Trust and Integrity
(નિયમો, વિશ્વાસ અને પ્રામાણિકતા દ્વારા સર્વગ્રાહી પ્રગતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવી)

ભારતનું માનવું છે કે વૈશ્વિક અસ્થિરતા અને અવિશ્વાસના વાતાવરણમાં વિકાસ શક્ય નથી. તેથી આંતરરાષ્ટ્રીય કાયદાઓ પ્રત્યે આદર, દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સંસ્થાઓની પ્રામાણિકતા પર ભાર મૂકવો અનિવાર્ય છે, જે ભારતના સનાતન મૂલ્ય ‘વસુધૈવ કુટુંબકમ’ ને વરેલું છે.

આ સમયે જ કેમ શરૂ કરાયું આ કેમ્પેઈન?

વર્તમાન સમયમાં વિશ્વ ગંભીર ભૌગોલિક-રાજકીય સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ સતત ચાલુ છે, પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) અને ગાઝા સંઘર્ષે ભયંકર માનવીય કટોકટી સર્જી છે, દરિયાઈ વ્યાપારી માર્ગો પર હુમલા વધી રહ્યા છે અને આતંકવાદ મોટો પડકાર છે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ, સાયબર હુમલા અને ડ્રોન ટેકનોલોજી જેવી નવી સુરક્ષા ચિંતાઓ પણ સામે આવી રહી છે. આવી પરિસ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્ર વધુ મજબૂત અને સર્વસમાવેશી બને તે જરૂરી છે.

ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ:

ગ્લોબલ સાઉથનો અવાજ (Voice of Global South): એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશોની વસ્તી ખૂબ મોટી હોવા છતાં વૈશ્વિક નિર્ણયોમાં તેમની ઉપેક્ષા થાય છે. ભારત દેવાના બોજ, ખાદ્ય સુરક્ષા, આબોહવા પરિવર્તન (Climate Change) અને ઉર્જા સંકટ જેવા મુદ્દાઓ પર ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવા માંગે છે.

UNSC માં સુધારા: વર્ષ 1945 માં બનેલી સુરક્ષા પરિષદની જૂની સંરચનામાં આજના બદલાયેલા વિશ્વના આધારે ફેરફાર થવા જરૂરી છે. ભારત સુરક્ષા પરિષદને વધુ લોકશાહી અને પ્રતિનિધિત્વ ધરાવતી બનાવવાની હિમાયત કરે છે.

આતંકવાદ સામે કડક વલણ: આતંકવાદી સંગઠનો અને તેમને આર્થિક મદદ (Funding), શસ્ત્રો અને સુરક્ષિત આશ્રયસ્થાનો પૂરા પાડનારા દેશો વિરુદ્ધ કડક અને પુરાવા-આધારિત વૈશ્વિક પગલાં લેવા પર ભારત ભાર મૂકશે.

દરિયાઈ સુરક્ષા (Maritime Security): ભારતના આર્થિક હિતો સુરક્ષિત રાખવા માટે મુક્ત, નિયમ-આધારિત દરિયાઈ માર્ગો અનિવાર્ય છે. ભારત સમુદ્રી ચાંચિયાગીરી અને જહાજો પરના હુમલા રોકવા માટે અવાજ ઉઠાવશે.

આધુનિક પીસકીપિંગ મિશન: ભારતે સંયુક્ત રાષ્ટ્રના લગભગ 50 શાંતિ મિશનોમાં અત્યાર સુધીમાં આશરે 300,000 સૈનિકો મોકલ્યા છે. ભારત ઈચ્છે છે કે આ મિશનોને આધુનિક ટેકનોલોજી અને પૂરતા સંસાધનો મળે.

માનવ-કેન્દ્રિત AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ માત્ર યુદ્ધ અથવા સત્તા માટે નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે માનવ કલ્યાણ માટે જવાબદારીપૂર્વક થાય તેવા નિયમો ભારત ઈચ્છે છે.

ભારતને આનાથી શું ફાયદો થશે?

જો ભારત આ ચૂંટણી જીતી જાય છે, તો બે વર્ષ માટે વૈશ્વિક પાવર સેન્ટર (UNSC) માં બેસવાની તક મળશે. આ મંચ પરથી ભારત પડોશી દેશોની સરહદી સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધની લડાઈ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાના હિતોનું મજબૂતીથી રક્ષણ કરી શકશે. તેનાથી ભારત માત્ર એક પ્રાદેશિક મહાસત્તા તરીકે નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ચિંતા કરનાર એક સક્ષમ અને જવાબદાર વૈશ્વિક ભાગીદાર તરીકે ઉભરી આવશે.