ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ ઓથોરિટીએ (DPA) ફરી એકવાર પોતાની કામગીરી અને ક્ષમતાનો પરિચય આપતા LPG હેન્ડલિંગ ક્ષેત્રમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પોર્ટે નોંધપાત્ર પ્રદર્શન કરતાં દેશના અગ્રણી ઊર્જા બંદરોમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. દિનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ 133 LPG જહાજોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન પોર્ટે 2.61 મિલિયન મેટ્રિક ટન (MMT) LPG કાર્ગો હેન્ડલ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ વાત એ છે કે આ આંકડો અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 25% જેટલી નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.

પોર્ટ સત્તાધીશોના જણાવ્યા અનુસાર આ સિદ્ધિ માત્ર આંકડાકીય વૃદ્ધિ નથી, પરંતુ પોર્ટની વધતી ઓપરેશનલ કાર્યક્ષમતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશની વધતી ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. LPG હેન્ડલિંગમાં સતત થઈ રહેલી વૃદ્ધિ પાછળ પોર્ટ પ્રશાસન, ટર્મિનલ ઓપરેટરો તેમજ અન્ય સંબંધિત હિતધારકોના સંયુક્ત પ્રયાસો અને સુમેળભર્યા સંકલનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
ભારત ઝડપથી વિકાસશીલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઊર્જાની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં LPG જેવા મહત્વપૂર્ણ ઈંધણના આયાત અને વિતરણમાં બંદરોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. દિનદયાળ પોર્ટ દ્વારા નોંધાયેલ આ સિદ્ધિ દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ ઉપલબ્ધિ ભારત સરકારના ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાના અને પોર્ટ આધારિત વિકાસને ગતિ આપવાના વિઝન સાથે પણ સુસંગત માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના બંદરોને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેનો સકારાત્મક પરિણામ હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન PM Modiના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના સમુદ્રી ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન અને વિકાસ જોવા મળ્યો છે. બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ચાલી રહેલી “12 વર્ષ : વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ અંતર્ગત દિનદયાળ પોર્ટના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનની વિશેષ નોંધ લેવામાં આવી છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે મજબૂત મેરિટાઈમ લોજિસ્ટિક્સ કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે. દિનદયાળ પોર્ટ દ્વારા નોંધાયેલી આ સિદ્ધિ માત્ર બંદરની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરતી નથી, પરંતુ રાષ્ટ્રીય વિકાસ, ઊર્જા સુરક્ષા અને જનકલ્યાણમાં તેની સતત વધી રહેલી ભૂમિકાને પણ ઉજાગર કરે છે.
આગામી વર્ષોમાં પણ દિનદયાળ પોર્ટ ઓથોરિટી વધુ આધુનિક સુવિધાઓ, ઝડપી કાર્ગો હેન્ડલિંગ અને વૈશ્વિક સ્તરની સેવાઓ દ્વારા દેશના સમુદ્રી વેપાર અને ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.



