નવી દિલ્હી: તામિલનાડુના થિરુપારનકુંદ્રમ દીપાથૂનમાં કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની મંજૂરી આપતા આદેશનું પાલન ન કરવાના મામલે દાખલ માનહાનિ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે મુખ્ય કેસની સુનાવણી કરી રહ્યા નથી. અમે માત્ર એ મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ કે આખરે આદેશોનું પાલન કેમ કરવામાં નથી આવ્યું.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં મદુરાઈના કલેક્ટર, પોલીસ કમિશનર એસ. રાજેન્દ્રન, કમિશનર ટી. જી. વિનય અને મંદિરના કાર્યકારી અધિકારી સહિત તામિલનાડુના અધિકારીઓ સામે માનહાનિની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ અધિકારીઓએ 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના એ આદેશનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું છે, જેમાં 24 નવેમ્બરે એક દિવસ માટે તિરુપારનકુંદ્રમ પહાડી પર ‘કાર્તિકાઈ દીપમ’ પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
શું છે દીપાથૂન વિવાદ?
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દીપાથૂન પર દીવો પ્રગટાવવામાં આંવ્યો નથી, એ હકીકત અંગે કોઈ વિવાદ નથી. બીજી તરફ, સુનાવણી દરમિયાન અરજદારના વરિષ્ઠ વકીલ ગુરુ કૃષ્ણકુમારે દલીલ કરી હતી કે ટ્રસ્ટીઓના આ બોર્ડે કોઈ પણ તબક્કે આ મામલે પડકાર આપ્યો નહોતો. કલેક્ટર કોર્ટને વિશ્વાસ અપાવવા માગે છે કે તેમણે તમામ સંભવિત પગલાં લીધાં હતાં, પરંતુ ટ્રસ્ટીઓના બોર્ડ સાથે વાતચીત કરી નહોતી. આ આશ્ચર્યજનક છે. અચાનક ટ્રસ્ટીઓનું બોર્ડ સામે આવે છે અને કહે છે કે દીપાથૂન પર દીવો પ્રગટાવી શકાય નહીં.
બોર્ડમાં એવા લોકો સામેલ છે, જેમની નિમણૂક સામે અગાઉથી જ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. દીવો પ્રગટાવવાનો સમય પસાર થયા બાદ સાંજે 7:30 વાગ્યે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બોર્ડમાં નિયુક્ત અન્ય એક સભ્ય એવા રાજકીય જૂથનો ભાગ હતા, જે દીપમ પ્રગટાવવાનો વિરોધ કરી રહ્યું હતું.

દીવો પ્રગટાવવાનો નિર્ધારિત સમય સાંજે 6થી 6:30 વાગ્યા સુધીનો હતો, પરંતુ આ સંબંધિત પ્રસ્તાવ પહેલી વાર સાંજે 7:30 વાગ્યે રજૂ કરવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલે સતત કાનૂની લડત આપી હતી. જે અધિકારીઓને સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે એવું કેવી રીતે કહી દીધું કે બોર્ડે કેટલાક લોકોનાં નામને અધિકૃત કર્યા નહોતાં?
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ન્યાયની વ્યવસ્થાને દૂષિત કરવાનો કોઈ પણ વ્યક્તિનો પ્રયાસ, પછી ભલે તે કેટલા પણ ઊંચા પદ પર હોય, સહન કરવામાં આવશે નહીં.




