પાકિસ્તાનમાં જળ સંકટ ઘેરું બનતાં સંરક્ષણ મંત્રીની યુદ્ધની ધમકી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે ભારત અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું છે કે જો પાકિસ્તાનને લાગશે કે તેની જળ સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ગંભીર ખતરો છે, તો તે ભારત સામે યુદ્ધનો રસ્તો અપનાવવામાં પણ પાછળ નહીં હટે. તેમણે કહ્યું હતું કે જે ક્ષણે અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષા અને પાણી જોખમમાં છે, અમે ભારત સામે યુદ્ધ કરીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારત સિંધુ નદી પ્રણાલીના પાણીના પ્રવાહને વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગમાં લઈ રહ્યું છે.

સિંધુ જળ સંધિ વિવાદનું મૂળ

એપ્રિલ, 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને સ્થગિત સ્થિતિમાં રાખવાનો નિર્ણય લીધો હતો. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદ સામે વિશ્વસનીય અને ચકાસી શકાય તેવી કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી સંધિ ફરી અમલમાં નહીં આવે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત સરકારના વરિષ્ઠ નેતાઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દે ભારતનું વલણ આકરું જ રહેશે.

તેમણે દાવો કર્યો હતો કે ભારત ચિનાબ નદીના પાણીના પ્રવાહમાં હેરફેર કરી રહ્યું છે અને જરૂરી માહિતી પણ આપી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અગાઉ પણ પાણી વહેંચણી સંબંધિત અનેક નિરીક્ષણો કરી ચૂક્યું છે. જોકે ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે એ પણ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં થયેલી કેટલીક તાજેતરની ઘટનાઓ અંગે તેમને સંપૂર્ણ માહિતી નથી.

પાકિસ્તાનમાં ઘેરું બનતું જળ સંકટ

પાકિસ્તાની નિષ્ણાતોનું માનવું છે કે દેશની આંતરિક જળ સમસ્યા પણ આવી નિવેદનબાજીનું એક મોટું કારણ છે. સિંધ અને બલૂચિસ્તાન સહિતના વિસ્તારોમાં પાણીની ભારે અછતના અહેવાલો સામે આવ્યા છે. સિંધ સિંચાઈ વિભાગના આંકડાઓ અનુસાર અનેક મુખ્ય નહેરોમાં ગંભીર જળ સંકટ છે, જેને કારણે ખેતી અને પીવાના પાણીની પુરવઠા પર અસર પડી રહી છે.

પ્રાદેશિક તણાવ વધવાની આશંકા

સિંધુ જળ સંધિને લઈને બંને દેશો વચ્ચેની શબ્દયુદ્ધ સતત તેજ બની રહી છે. પાકિસ્તાન અગાઉ પણ કહી ચૂક્યું છે કે જો તેના હિસ્સાનું પાણી રોકવામાં આવશે તો તેને ગંભીર પગલું માનવામાં આવશે. બીજી તરફ ભારતનું કહેવું છે કે આતંકવાદ અને જળ કરાર બંને સાથે ચાલી શકતા નથી.