યુનિવર્સિટીઓની ડિગ્રી, માર્કશીટોમાં હવે ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’

નવી દિલ્હીઃ દેશનાં અનેક રાજ્યોમાં રાજ્ય અને કેન્દ્રીય સ્તરની યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી ડિગ્રી, માર્કશીટ, પત્રવ્યવહાર, આમંત્રણપત્રો અને અહીં સુધી કે સાઇનબોર્ડમાં પણ હવે ‘ઇન્ડિયા’ શબ્દને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે આરએસએસ (RSS) સાથે સંકળાયેલા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્ય પ્રદેશના જબલપુર સ્થિત રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. આ રાજ્ય યુનિવર્સિટીમાં આપવામાં આવતી તમામ ડિગ્રી પર હવે ‘ઇન્ડિયા’ને સ્થાને ‘ભારત’ લખાશે.

આ અંગે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના કુલપતિ રાજેશકુમાર વર્માએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી તમામ ડિગ્રી અને માર્કશીટમાં હવે હિન્દી તેમ જ અંગ્રેજી બંને ભાષામાં ‘ભારત’ લખવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે G-20 પરિષદ દરમિયાન ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણે ભારતના લોકો છીએ અને આપણા દેશનું વાસ્તવિક નામ ભારત છે. ‘ઇન્ડિયા’ શબ્દ પાછળથી આવ્યો હતો, તેથી અમારી કાર્યકારી પરિષદે તમામ દસ્તાવેજોમાં ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવા માટેનો ઠરાવ પસાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ ઠરાવ બદલ યુનિવર્સિટીને 2025માં પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ દરમિયાન સન્માનિત પણ કરવામાં આવી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે આ બદલાવ શા માટે જરૂરી હતો, ત્યારે તેમણે કહ્યું કે આ દેશ સમ્રાટ ભરતની ભૂમિ છે, તેથી તેનું સાચું નામ ભારત જ છે.

મધ્ય પ્રદેશના ઇંદોર સ્થિત દેવી અહિલ્યા યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ પ્રકારનો નિર્ણય લેતી તે પ્રથમ યુનિવર્સિટી છે. યુનિવર્સિટીના કુલપતિ રાકેશ સિન્ઘાઈએ જણાવ્યું હતું કે અમે સૌપ્રથમ એવો ઠરાવ પસાર કર્યો ને દરેક જગ્યાએ ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ લખવાનું શરૂ કર્યું છે. અમે જે ઉદાહરણ પૂરું પાડ્યું, તે જ માર્ગ પર અન્ય યુનિવર્સિટીઓ પણ આગળ વધી રહી છે.

ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીએ પણ લીધો નિર્ણય

આ ફેરફાર માત્ર મધ્ય પ્રદેશ સુધી મર્યાદિત નથી. છત્તીસગઢના બિલાસપુર સ્થિત કેન્દ્રીય યુનિવર્સિટી ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીએ પણ ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના કુલપતિ આલોક કુમાર ચક્રવાલે જણાવ્યું હતુ કે અમે ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં તે માર્કશીટમાં દેખાશે નહીં, પરંતુ નિર્ણય થઈ ગયો છે. દેશનું વાસ્તવિક નામ ‘ભારત’ છે. ‘ઇન્ડિયા’ નામ વિદેશીઓએ આપ્યું હતું. વિદ્વાનોનું માનવું છે કે આપણે દેશને ‘ભારત’ તરીકે જ ઓળખાવવો જોઈએ.