નવી દિલ્હી: સરકારે શુક્રવારે પ્રથમ વખત પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિવાદિત સત્તાવાર નિવાસસ્થાન ‘શીશમહેલ’ (૬, ફ્લેગસ્ટાફ રોડ)ના દરવાજા મીડિયા માટે ખોલ્યા હતા. જાહેર બાંધકામ વિભાગ (PWD)ના મંત્રી પરવેશ વર્માએ મીડિયાને બંગલાની ભવ્ય આંતરિક સજાવટ બતાવી હતી અને તેના રિનોવેશન પાછળ થયેલા જંગી ખર્ચની વિગતો જાહેર કરી હતી.
₹૫.૪૭ લાખનો સોફા અને ₹૧૧ લાખનું ઝુમ્મર: મીડિયા ટૂર દરમિયાન મંત્રી પરવેશ વર્માએ જણાવ્યું હતું કે આ બંગલામાં ₹૫.૪૭ લાખનો સોફા, ₹૩ લાખનું ટીવી અને ₹૧૧ લાખની કિંમતનું ઝુમ્મર લગાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “શીશમહેલ બતાવવાનો મુખ્ય હેતુ જનતાને જાગૃત કરવાનો છે કે આ તેમના પરસેવાના પૈસા છે. આ બંગલા પાછળ ₹૫૮ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે કોવિડ-૧૯ મહામારી દરમિયાન લોકો જીવ ગુમાવી રહ્યા હતા, ત્યારે આ નિવાસસ્થાનની ફાઇલો પર તાત્કાલિક સહીઓ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેજરીવાલે બંગલો ખાલી કર્યા બાદ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને દરેક વસ્તુના બિલ સરકાર પાસે ઉપલબ્ધ છે.
સામાન્ય જનતા માટે ₹૨૦ ટિકિટ દરની શક્યતા: શુક્રવારે મીડિયા ટૂર બાદ શનિવારે જાહેર હિસાબ સમિતિ (PAC) દ્વારા આ નિવાસસ્થાનનું નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તેને સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુલાકાતીઓ માટે ટિકિટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે, જેનો દર અંદાજે ₹૨૦ રાખવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો અને કોલેજના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવી શકે છે.

મર્યાદિત સમયગાળા માટે જનતાને બંગલો જોવા દીધા બાદ, સરકાર આ મિલકતને કોઈ ખાનગી હોસ્પિટાલિટી કંપનીને સોંપવાની યોજના ધરાવે છે, જેથી તેનો ઉપયોગ સત્તાવાર પરિષદો અને બેઠકો માટે કરી શકાય. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫થી ૨૦૨૪ સુધી કેજરીવાલ આ બંગલામાં રહ્યા હતા, જેને ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન ભ્રષ્ટાચાર અને વૈભવી ખર્ચના મુદ્દે ‘શીશમહેલ’ નામ આપ્યું હતું.




