ડૉક્ટર્સની અરજી બાદ ‘સૂર્યા’ ફિલ્મમાં ડિસ્ક્લેમર મૂકવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ

નવી દિલ્હી: હાઇકોર્ટે સન્ની દેઓલ અભિનીત આગામી ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ (Suryaa: Ant Se Aarambh Tak)ના નિર્માતાઓને એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે ફિલ્મ અને તેના ટ્રેલરમાં સ્પષ્ટપણે ડિસ્ક્લેમર (સૂચના) મૂકવાનું નોંધ્યું છે કે આ ફિલ્મ એક કાલ્પનિક કૃતિ છે અને તે મૂળ મલયાલમ ફિલ્મ ‘જોસેફ’ (Joseph)ની રિમેક છે.શું હતો વિવાદ?

દેશના કેટલાક પ્રેક્ટિસ કરતા ડૉક્ટર્સ (જેમાં ડૉ. નિશાંત સોની અને અન્ય સામેલ છે) દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફિલ્મનું ટ્રેલર મેડિકલ પ્રોફેશનલ્સ અને તબીબી ક્ષેત્રને અપમાનજનક કે ખોટી રીતે રજૂ કરે છે. ડૉક્ટર્સની દલીલ હતી કે આવી રજૂઆતથી સામાન્ય લોકોમાં તબીબો પ્રત્યે ખોટી છબી ઊભી થઈ શકે છે, જેના કારણે અવારનવાર હુમલાનો સામનો કરતા હેલ્થકેર વર્કર્સોની સુરક્ષા સામે વધુ જોખમ ઊભું થઈ શકે છે.

કોર્ટની કાર્યવાહી અને નિર્ણય

ફિલ્મના નિર્માતાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ નાયરે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ મલયાલમની પ્રખ્યાત અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતનારી ફિલ્મ ‘જોસેફ’ની રિમેક છે, જેને ક્યારેય કોઈ સત્તાધિકારી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી નથી. નિર્માતાઓએ સ્વેચ્છાએ ખાતરી આપી હતી કે તેઓ ટ્રેલર અને ફિલ્મ બંનેમાં યોગ્ય ડિસ્ક્લેમર ઉમેરવા તૈયાર છે.

જસ્ટિસ અમિત મહાજને નિર્માતાઓની આ ખાતરીને ધ્યાનમાં રાખીને ડૉક્ટર્સની અરજીનો નિકાલ કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે આ મામલે કોઈ વધારાના આદેશની જરૂર નથી.