CM રેખા ગુપ્તા પર હુમલા બાદ પોલીસ કમિશનરને હટાવાયા

દિલ્હી પોલીસને પૂર્ણ-સમયના પોલીસ કમિશનર મળ્યા છે. આજે ગુરુવારે વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી સતીશ ગોલચાને નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. અગાઉ, SBK સિંહને પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ફક્ત 20 દિવસ માટે કમિશનર પદ પર રહી શક્યા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના 30 કલાકની અંદર તેમને દૂર કરવામાં આવ્યા હતા.

IPS સતીશ ગોલચા, જે હાલમાં તિહાર જેલના ડાયરેક્ટર જનરલ છે. તેમણે ગયા વર્ષે 1 મે, 2024 ના રોજ આ કાર્યભાર સંભાળ્યો હતો, તેમને ચાર્જ સંભાળ્યાની તારીખથી આગળના આદેશ સુધી દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1992 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી છે.

SBK સિંહને 31 જુલાઈના રોજ કમિશનર બનાવવામાં આવ્યા હતા

આજે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, વરિષ્ઠ IPS અધિકારી સતીશ ગોલચાને દિલ્હી પોલીસના 26મા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૯૯૨ બેચના IPS અધિકારી ગોલચાએ SBK સિંહનું સ્થાન લીધું, જેમણે ૩૧ જુલાઈના રોજ તેમના પુરોગામી સંજય અરોરા નિવૃત્ત થયા બાદ વધારાના કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

આ પહેલા ગોલચાએ દિલ્હી પોલીસમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે, જેમાં સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા), સ્પેશિયલ કમિશનર (ઇન્ટેલિજન્સ) અને અરુણાચલ પ્રદેશના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)નો સમાવેશ થાય છે. તેમણે દિલ્હી પોલીસમાં DCP અને જોઈન્ટ CP તરીકે પણ સેવા આપી છે.