દિલ્હી પોલિસે CJPના નેતાઓની અટકાયત કરવા મહિલા પોલીસને કેમ આગળ કરી?

નવી દિલ્હી: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચે તે પહેલાં જ દિલ્હી પોલીસે CJPના નેતાઓની વિમાનની અંદરથી અટકાયત કરી લીધી છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા જેવા નેતાઓને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થતાં જ વિમાની મથકેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, દિલ્હી પોલીસે આ નેતાઓની અટકાયત માટે મહિલા પોલીસ અધિકારીઓને વિમાનની અંદર મોકલીને એક નવી રણનીતિ અપનાવી હતી.

વિમાનની સાંકડી જગ્યા અને કોઈ પણ સંભવિત ઘર્ષણને ટાળવા માટે પોલીસે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. અગાઉ જુલાઈ મહિનામાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ પર થયેલા આક્ષેપો અને સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને, આ વખતે પોલીસે વિવાદોથી બચવા માટે મહિલા સુરક્ષાકર્મીઓને આગળ રાખ્યા હતા.

જ્યારે મહિલા પોલીસકર્મીઓ વિમાનની અંદર પહોંચી ત્યારે અભિજીત દિપકેએ આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેને “તાનાશાહી” (સરમુખત્યારશાહી) ગણાવી હતી. જોકે, આખી પ્રક્રિયા દરમિયાન કોઈ મોટો ઉપદ્રવ કે હંગામો થયા વગર ત્રણેય નેતાઓને અટકાયતમાં લઈને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આ પ્રદર્શન બોલાવવામાં આવ્યું હતું.