નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના ભાષણ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજીની મદદથી છેડછાડ કરીને બનાવેલો નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા મામલે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટને સોંપવામાં આવી છે.
અગાઉ, દિલ્હી ભાજપના અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાની આગેવાની હેઠળ પક્ષના છ સભ્યોના પ્રતિનિધિમંડળે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડીસીપી (DCP) સમક્ષ આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે રવિવારે ચંદીગઢ ખાતે યોજાયેલી જાહેર સભામાં નીતિન નવીને આપેલા મૂળ ભાષણના વીડિયો સાથે છેડછાડ કરીને સંપૂર્ણપણે બનાવટી અને ભ્રામક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ ફેક વીડિયોમાં ભારત-ચીન સંબંધો, પાકિસ્તાન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ અને ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજસ MK-1 જેવા અત્યંત સંવેદનશીલ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓ પર ખોટા નિવેદનો દર્શાવવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, IFSO યુનિટ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) તેમજ ‘મેટા’ (Meta)ને નોટિસ મોકલીને તમામ નકલી વીડિયો હટાવવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસે વીડિયો શેર કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સની ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રાજકીય વિરોધ અને વૈચારિક મતભેદો લોકશાહીનો ભાગ છે, પરંતુ ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને કોઈ નેતાના નામે બનાવટી ભાષણ તૈયાર કરવું અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ વિષયો પર ભ્રમ ફેલાવવો એ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવતું નથી.




