‘મિશન રફ્તાર’ હેઠળ દિલ્હીથી મુંબઈ માત્ર ૧૨ કલાકમાં : ૧૬૦ કિમી/કલાકની ઝડપે ટ્રેનો દોડાવવાનું લક્ષ્ય

નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા ‘મિશન રફ્તાર’ (Mission Raftaar) હેઠળ નવી દિલ્હી અને મુંબઈ વચ્ચેના અંદાજે ૧,૪૨૭ કિલોમીટર લાંબા રેલવે રૂટને ઝડપી બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બંને મહાનગરો વચ્ચે ટ્રેનોની સ્પીડ વધારીને ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક કરવાની છે, જેથી મુસાફરીનો સમય ઘટીને માત્ર ૧૨ કલાક થઈ જશે. હાલમાં આ રૂટ પર ચાલતી તેજસ રાજધાની અને દુરંતો એક્સપ્રેસ જેવી ઝડપી ટ્રેનોમાં ૧૫ થી ૧૬ કલાકનો સમય લાગે છે.

આ સ્પીડ અપગ્રેડેશન માટે ટ્રેક, ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ અને યાર્ડ રિમોડેલિંગ સહિતના માળખાકીય માળખામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આગ્રા ડિવિઝનના પલવલ-મથુરા સેક્શન પર નવું ‘૨x૨૫ કેવી છાતા ટ્રેક્શન સબસ્ટેશન’ (TSS) ચાર્જ કરવામાં આવ્યું છે, જે હાઇ-સ્પીડ ટ્રેનોના સંચાલન માટે મજબૂત વીજ પુરવઠો પૂરો પાડશે.

ઉત્તર મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, મથુરા અને ભૂતેશ્વર યાર્ડના અપગ્રેડેશન સહિત સિગ્નલ અને પાવર ગ્રીડ સિસ્ટમ સુધારવાના અનેક કામો સપ્ટેમ્બર ૨૦૨૬ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રૂટ પર ૧૬૦ કિમીની ઝડપ શક્ય બનતા મુસાફરો માટે દિલ્હી-મુંબઈ વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી અને આરામદાયક બનશે.