નવી દિલ્હી: કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં પહેલી નવેમ્બરે મહારેલીનું આયોજન કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાની માગ સાથે કોંગ્રેસ આ રેલી યોજી રહી છે. આ રેલીમાં ઇન્ડિયા ગઠબંધનના અનેક પક્ષો સામેલ થશે. જોકે દિલ્હીના વેપારીઓએ આ રેલી મુલતવી રાખવાની માગ કરી છે.
દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોની અગ્રણી સંસ્થા ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલે મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ફરી પત્ર લખ્યો છે. તેમાં પહેલી નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી 10 લાખ લોકોની મહારેલી દિવાળી બાદ યોજવાની માગ કરવામાં આવી છે. આ પહેલાં CTIએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આ જ માગ સાથે પત્ર લખ્યો હતો. કોંગ્રેસે આ રેલીમાં દેશભરમાંથી કાર્યકરોને બોલાવ્યા છે.
રાહુલ ગાંધીએ રેલી યોજવાની જાહેરાત કરી
રાહુલ ગાંધીએ ગઈ કાલે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને પહેલી નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી મહારેલીની જાહેરાત કરી હતી. તેમણે વેપારીઓને સંદેશ આપતાં કહ્યું હતું કે અમે તમને પ્રેમ કરીએ છીએ, પરંતુ તમે જ્ઞાનેશકુમારને હટાવવાની માગ સાથેના આંદોલનને બંધ કરાવશો તો તે 30 સેકન્ડમાં બંધ થઈ જશે. રાહુલ ગાંધીની પોસ્ટ બાદ CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પર વેપારીઓને સંબોધીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ દિવાળીની ખરીદીની આ વ્યસ્ત મોસમમાં પહેલી નવેમ્બરના રોજ રેલી યોજીને જ રહેશે.
તેમના આ નિવેદન બાદ રામલીલા મેદાનની આસપાસ આવેલા 20 મોટા બજારોના વેપારીઓમાં ચિંતા અને નિરાશા ફેલાઈ છે. વેપારીઓને ડર છે કે શું 31 ઓક્ટોબરથી જ બેરિકેડિંગ શરૂ થઈ જશે? શું રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે? શું 31 ઓક્ટોબર અને પહેલી નવેમ્બરે દુકાનો ખૂલી શકશે અને ગ્રાહકો ખરીદી કરવા પહોંચી શકશે?
दिल्ली में Chamber of trade industry ने राहुल गांधी को एक चिट्ठी लिखी है कि कृप्या करके 1 नवंबर की रैली को स्थगित करिए और व्यापारियों के हित में इस रैली को 10 नवंबर के बाद करने पर विचार करें।
राहुल गांधी जी आपको भाजपा से, मोदी जी से चिढ़ है, लेकिन क्या आपको देश के आम आदमी और व्यापारियों से भी चिढ़ है?
उनको भी सुनने के लिए आप तैयार नहीं हैं, ये आपकी जिद है।
हम इसकी बहुत ही भर्त्सना करते हैं।
-श्री @rsprasad
— BJP OBC MORCHA (@BJP4OBCMorcha) October 24, 2026
10 લાખ લોકો આવવાનો અંદાજ
વેપારીઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની આ રેલીમાં 10 લાખ લોકો આવવાની વાત કરવામાં આવી રહી છે. જો આટલા લોકો આવશે તો અંદાજે 15,000થી 20,000 વાહનો પણ આવશે. આટલાં વાહનોનું પાર્કિંગ ક્યાં કરવામાં આવશે? વેપારીઓનો દાવો છે કે રામલીલા મેદાનની આસપાસ 200 વાહનો માટે પણ પૂરતી અધિકૃત પાર્કિંગ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. CTIએ જણાવ્યું છે કે રામલીલા મેદાનની ચારે તરફ દિલ્હીનાં મોટાં જથ્થાબંધ અને છૂટક બજારો આવેલાં છે. મેદાન સુધી પહોંચતા તમામ રસ્તાઓ આ બજારોમાંથી પસાર થાય છે. જૂની દિલ્હીની અનેક ગલીઓ માત્ર 10થી 12 ફૂટ પહોળી છે. અહીં એક ટ્રક ફસાઈ જાય તો ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ થઈ શકે છે.






