નવી દિલ્હી, ૨૮ નવેમ્બર ૨૦૨૬: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે પ્રસ્તાવિત સીમાંકન (Delimitation) બિલને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ‘INDIA’ ગઠબંધનના નેતાઓની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા ખડગેએ આ બંધારણ સુધારા બિલને “લોકશાહી માટે ગંભીર ખતરો” ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે સરકાર બેઠકો વધારીને સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરવા માંગે છે.
ખડગેએ જણાવ્યું હતું કે અગાઉ ચૂંટણીમાં ‘૪૦૦ પાર’નો નારો આપનાર ભાજપ હવે લોકસભાની બેઠકો ૮૫૦ સુધી લઈ જઈને ‘૮૦૦ પાર’ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી અનિશ્ચિત સમય સુધી સત્તા ટકાવી શકાય. તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષના સંયુક્ત પ્રયાસોને કારણે અગાઉ એપ્રિલમાં આ બિલ પસાર થઈ શક્યું ન હતું, ત્યારબાદ ભાજપે વિપક્ષી પક્ષોને તોડવાની રણનીતિ અપનાવી અને હવે સંખ્યાબળના ભરોસે ફરી બિલ લાવી રહી છે.
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના હિતો અંગે ચિંતા વ્યક્ત કરતા ખડગેએ કહ્યું કે આ બિલમાં SC-ST બેઠકો વધારવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ દેખાતી નથી અને નવી વસ્તી ગણતરીના આંકડાઓનો ઉપયોગ ટાળીને આ સમુદાયોને તેમના હકથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘INDIA’ ગઠબંધને બેઠકમાં લોકસભાની વર્તમાન બેઠક સંખ્યા જાળવી રાખવા, વર્તમાન સંખ્યાના આધારે મહિલા અનામત લાગુ કરવા, રાજ્યોનો બેઠક હિસ્સો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવા અને નવીનતમ વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરવા સહિતની માંગણીઓ મૂકીને બિલનો સંયુક્ત વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.




