વડોદરા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે શહેરના નવલખી મેદાન ખાતે લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘ઋષભયાન-૩’ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે તેમણે પૂજ્ય ગુરુ ભગવંતો અને દેશ-વિદેશથી પધારેલા સંતગણને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે હર્ષ સંઘવીએ ‘ઋષભ કૌશલ કેન્દ્ર’, ‘કલા કેન્દ્ર’, ‘વાણિજ્ય કલા’ અને ‘પાક કલા’ જેવા વિવિધ પ્રદર્શન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરી મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૫માં મુંબઈ ખાતે યોજાયેલા ‘ઋષભયાન-૨’ના ગ્રંથનું વિમોચન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
સંવાદ અને અનેકાંતની દ્રષ્ટિ પર ભાર: જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ ભગવાન ઋષભદેવને માનવ સભ્યતાના પ્રથમ રાજા અને શિક્ષક ગણાવ્યા હતા, જેમણે ખેતી, લેખન અને કલા દ્વારા માનવ જીવનને સુવ્યવસ્થિત બનાવ્યું. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સાંસ્કૃતિક વારસાને યાદ કરતાં તેમણે જણાવ્યું કે ઋષભદેવ સંબંધિત ગ્રંથોના અંગ્રેજી અનુવાદનો ઇતિહાસ વડોદરા સાથે જોડાયેલો છે.
વર્તમાન સોશિયલ મીડિયાના યુગમાં વધતા જતા વ્યક્તિગત આક્રોશ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, “ભારતીય પરંપરામાં તર્ક, સંવાદ અને સત્યને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવાની ‘અનેકાંત’ની દ્રષ્ટિ રહેલી છે. મતભેદ હોવા છતાં પરસ્પર આદર જાળવી સંવાદના દરવાજા ખુલ્લા રાખવા જરૂરી છે.”
દંડનીતિ અને ત્રણ નવા કાયદાઓનો ઉલ્લેખ: આ વર્ષના મુખ્ય વિષય ‘દંડનીતિ અને ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો’ પર બોલતાં હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે દંડનીતિ એ માત્ર સજાનું નહીં, પરંતુ સમાજમાં ન્યાય અને વ્યવસ્થા જાળવવાનું શાસ્ત્ર છે. ભૂલથી થયેલા ગુના અને ટેવવશ ગુનેગારો વચ્ચેનો ભેદ પારખી સમાજની સુરક્ષા માટે કડક વલણ અપનાવવું અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓ — ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ — ન્યાય વ્યવસ્થાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરી નાગરિક કેન્દ્રિત બનાવે છે.
‘વિકાસ ભી, વિરાસત ભી’નું ઉત્તમ ઉદાહરણ વડોદરા: સંબોધનના અંતે વડોદરાને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રનું જીવંત ઉદાહરણ ગણાવતાં તેમણે શહેરની સાંસ્કૃતિક ધરોહરની સાથે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ વડોદરામાં નિર્મિત C-295 વિમાનની ઐતિહાસિક સફળતાનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. સંત-મહંતોની પાવન નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.




