નાયબ મુખ્યમંત્રી અને સિનિયર IPSની ટીમ ભારત-પાક સરહદનાં ગામડાઓની મુલાકાતે

કચ્છ: ૬ નવેમ્બરના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજવાના છે. ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવાના છે. નાયબ મુખ્યમંત્રી ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરવાના છે. તેમની સાથે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓ પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવાના છે. આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી-કહેણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ૩૦ સિનિયર IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે પહોંચ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રી ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે.

સરહદી સુરક્ષાના વિષયો જેવા કે એન્ટીનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે BSF અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું છે. સાથે જ BSF જવાનો સાથે પણ સંવાદ કરવામાં આવશે, જેથી સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી શકાય.