સાક્ષરતાના રંગે જ્ઞાનનું પ્રવેશદ્વાર: સુરતમાં ૩૭૩ ભૂલકાનો શાળા પ્રવેશોત્સવ

સુરત: મહાનગરપાલિકા દ્વારા “પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” આયોજિત કરવામાં આવ્યો. ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક: ૪૫, ૪૬ અને ૨૭૫ માં ભવ્ય કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધોરણ-૧ના કુલ ૩૭૩ ભૂલકાઓને કુમકુમ તિલક કરીને ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે બાળકોને પોતાના તરફથી ડ્રોઈંગ બુક અને કલરપેન બોક્સ સહિતની શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. નવા પ્રવેશ મેળવનાર બાળકોના રૂમાલ પર કુમકુમ પગલાની છાપ પાડી સ્મૃતિ ચિહ્ન તરીકે ભેટ આપવામાં આવી હતી.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી વધુની સફળ સફર બાદ શાળા પ્રવેશોત્સવ હવે ગુણવત્તાસભર શિક્ષણનો મહાયજ્ઞ બની ચૂક્યો છે. સુરત મહાનગરપાલિકાએ દેશની ૬ ભાષાઓ (ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દૂ, ઉડિયા અને અંગ્રેજી)માં શિક્ષણ આપતું બહુભાષી મોડેલ અમલી બનાવ્યું છે. જેમાં હાલ ૧,૯૯,૧૮૬ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણની ગુણવત્તા સુધરતા ખાનગી શાળાઓ છોડીને ૪,૭૦૮ વિદ્યાર્થીઓએ મનપાની સરકારી શાળાઓ પર વિશ્વાસ મૂક્યો છે. આ વર્ષે સુરત જિલ્લામાં ૨૧,૧૧૩ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં બાલવાટિકાના ૯,૦૨૮ ભૂલકાઓ સામેલ છે.નાયબ મુખ્યમંત્રીએ શિક્ષકો અને વાલીઓને અપીલ કરી હતી કે બાળકોને મોબાઈલ અને માત્ર પુસ્તકિયા જ્ઞાનથી દૂર રાખી રમતા-હસતા શીખવવામાં આવે. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા અને ટ્રાફિક સુરક્ષા પ્રત્યે જાગૃત કરતાં ‘ઘરના પોલીસ’ બનવા હાકલ કરી હતી. તેમણે બાળકોને આગ્રહ કર્યો કે જો માતા-પિતા હેલ્મેટ પહેર્યા વિના બહાર જતા હોય તો તેમને અટકાવવા જિદ્દ કરો. કાર્યક્રમના અંતે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સૌએ ટ્રાફિક નિયમોના પાલનના શપથ લીધા હતા.

આ પ્રસંગે મેયર માયાબેન માવાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિતના મહાનુભાવો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.