જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી તબાહીઃ ચારનાં મોત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે મંગળવારે વાદળ ફાટવાથી ભારે તબાહી જોવા મળી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાથી 10થી વધુ મકાન વહી ગયાં છે. ડોડામાં બાદલ ફાટવાને કારણે ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે. ભલેસા, થાથરી અને મરમતમાં વાદળ ફાટ્યા પછી અચાનક આવેલા પૂરથી અનેક પૂલ વહેતા થયા છે. ડોડાના ઉપાયુક્ત હરવિંદર સિંહે જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે બે જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ડોડામાં નદી ખતરાના નિશાન પર છે. ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે કહ્યું હતું કે ચિનાબ નદી આસપાસ વસેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. સતત ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે અચાનક પૂરને લીધે 10થી વધુ મકાનો નુકસાન પામ્યાં છે. આ પહેલાં કઠુઆ અને કિષ્ટવાડમાં પણ આવી જ આફતો આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં સતત ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે.

રામબન જિલ્લામાં અનેક ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) પર ટ્રાફિક ઠપ થઈ ગયો. પડતી ચટ્ટાનોને કારણે હાઈવેના અનેક ભાગો હજી પણ અવરોધિત છે. જેના કારણે ગંભીર જોખમ ઊભું થયું છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર રહેવાસીઓને અને મુસાફરોને સલાહ આપી છે કે ખૂબ જ જરૂરી ન હોય તો આ માર્ગનો ઉપયોગ ન કરે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ કઠુઆ, સાંબા, ડોડા, જમ્મુ, રામબન અને કિષ્ટવાડ સહિત જમ્મુ વિસ્તારમાં અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદનુ એલર્ટ જાહેર કર્યું છે. જેને કારણે અનેક વિસ્તારોમાં પૂરની આશંકા છે.