નવી દિલ્હીઃ લોકસભાએ ગુરુવારે વિરોધ પક્ષોના ભારે હંગામા વચ્ચે ‘વિકસિત ભારત–જી રામ જી બિલ, 2025’ને મંજૂરી આપી દીધી હતી. ‘રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) (વિકસિત ભારત–જી રામ જી) વિધેયક, 2025’ પર બુધવારે મધરાત બાદ ચર્ચા પૂર્ણ થઈ હતી. આ ચર્ચામાં કુલ 99 સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસ્તાવિત કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)ની જગ્યા લેશે.
ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા વિધેયક પર ચર્ચાનો જવાબ આપ્યા બાદ સંસદે તેને ધ્વનિમતથી પાસ કરી દીધો. વિધેયક પાસ થતાં જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી બપોરે 1. 07 કલાકે સ્થગિત કરી હતી, અને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી માટે મુલતવી રાખી.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મનરેગાની જગ્યાએ સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘વિકસિત ભારત–જી રામ જી વિધેયક, 2025’ને વિચારવિમર્શ માટે સંસદીય સમિતિને મોકલવાની વિરોધ પક્ષની માગને ગુરુવારે નામંજૂર કરી દીધી હતી. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે વિધેયકને સંસદની સ્થાયી સમિતિ અથવા સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની માગ ઉઠાવી હતી.
VIDEO | Parliament Winter Session: After introducing the Viksit Bharat Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin) (VB-G RAM G) Bill, 2025 in the Lok Sabha, Union Minister Shivraj Singh Chouhan says, “Mahatma Gandhi ji lives in our hearts. It was the resolve of both Gandhi… pic.twitter.com/AIZoQTneFr
— Press Trust of India (@PTI_News) December 16, 2025
તેમણે કહ્યું, આખા સંસદની ભાવના એ જ છે. સરકાર તેને સંસદીય સમિતિને મોકલે. અમે સહયોગ આપવા તૈયાર છીએ. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે આ વિધેયક અંગે 99 સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. મોડી રાત્રિ સુધી ચર્ચા થઈ હતી. તમામ પક્ષોના સભ્યોના અભિપ્રાય આવ્યા. વિરોધ પક્ષની મગ પર મેં ચર્ચાનો સમય પણ વધાર્યો હતો.”
તેમણે વિરોધ પક્ષના સભ્યોને કહ્યું હતું કે આ રીતે વિરોધ કરવો યોગ્ય પરંપરા નથી. ત્યાર બાદ શિવરાજ સિંહ ચૌહાણે વિધેયક પર ચર્ચાનો જવાબ આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે વિરોધ પક્ષનો આ પ્રકારનો વિરોધ મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતને તાર-તાર કરે છે. આ પછી વિરોધ પક્ષના સભ્યોએ નારેબાજી શરૂ કરી દીધી હતી.




