ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ ભવન ખાતેથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ મહોરમના તહેવાર દરમિયાન રાજ્યમાં શાંતિ, સલામતી અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે હતો. બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ વડાઓ (SP) જોડાયા હતા.
પોલીસ વડાએ તહેવાર નિમિત્તે નીકળનારા તાજીયા અને જુલૂસના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક ‘બંદોબસ્ત સ્કીમ’ તૈયાર કરવાના આદેશ આપ્યા છે. રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા માટે પૂરતી સંખ્યામાં SRPF કંપનીઓ ફાળવવામાં આવી છે.
મુખ્ય મુદ્દાઓ
-
૯૧૯ સંવેદનશીલ સ્થળો પર વિશેષ નજર: સમગ્ર રાજ્યમાં આઇડેન્ટિફાઇડ ૯૧૯ જેટલા સંવેદનશીલ વિસ્તારોમાં એક્સ્ટ્રા એલર્ટ રહેવા અને છેલ્લા ૫ વર્ષના રેકોર્ડના આધારે રિસ્ક એસેસમેન્ટ કરવા જણાવાયું છે.
-
હાઈટેક મોનિટરિંગ: ભીડ નિયંત્રણ અને પ્રિવેન્ટિવ પોલીસિંગ માટે ડ્રોન, સીસીટીવી કેમેરા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે ‘બોડી-વોર્ન કેમેરા’નો વ્યાપક ઉપયોગ કરાશે.
-
સઘન ફૂટ પેટ્રોલીંગ: લોકોમાં સુરક્ષાનો અહેસાસ વધારવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ૮ થી ૧૦ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી સઘન ‘ફૂટ પેટ્રોલીંગ’ કરવામાં આવશે.
-
સોશિયલ મીડિયા પર વોચ: કોમી સૌહાર્દ બગાડે તેવી પોસ્ટ્સ, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું સતત મોનિટરિંગ કરાશે.
-
સ્થાનિક સમિતિઓ સાથે બેઠક: શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ અને ધાર્મિક અગ્રણીઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા તાકીદ કરાઈ છે.






