નવી દિલ્હીઃ ધનતેરસના અવસરે આજે બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવ ઊંચા સ્તરે હોવા છતાં ખરીદીનો ઉત્સાહ ઓછો થયો નથી. કોઈ સોનાનાં હળવાં ઘરેણાં ખરીદી રહ્યું છે, તો કોઈ ચાંદીના સિક્કા, વાસણો અને ઘરની સજાવટની વસ્તુઓ ખરીદી રહ્યું છે. વેપારીઓને આશા છે કે આ વખતે ધનતેરસ પર દેશભરમાં રૂ. એક લાખ કરોડથી વધુનો વેપાર થશે.
કોન્ફેડરેશન ઓફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જણાવ્યાનુસાર એકલા ધનતેરસ પર જ દેશભરમાં રૂ. એક લાખ કરોડથી વધુના વેપારનો અંદાજ છે. તેમાં સોના-ચાંદીના વેચાણનો ફાળો રૂ. 60,000 કરોડથી વધુ રહેવાની આશા છે. ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)નું કહેવું છે કે ભાવ વધવા છતાં લોકો ખરીદી કરી રહ્યા છે.
મોંઘા સોના છતાં ખરીદી, હળવાં ઘરેણાંનો વધ્યો ટ્રેન્ડ
સોનાના ઊંચા ભાવ વચ્ચે ખરીદદારો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે ખરીદી કરી રહ્યા છે. બજારમાં 14 અને 18 કેરેટના હળવાં સોનાનાં ઘરેણાં પસંદ કરવામાં આવી રહ્યાં છે. ચાંદીનાં સિક્કા, સજાવટની વસ્તુઓ અને માછલી, કાચબો તથા હાથી જેવી શુભ આકૃતિઓની પણ માગ વધી છે. જ્વેલરીના વેપારમાં આ વર્ષે આશરે રૂ. 66,000 કરોડ સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 10 ટકા વધુ છે. આ ઉપરાંત લોકો વાસણો, હોમ ડેકોર અને તહેવારો સાથે જોડાયેલી વસ્તુઓની પણ ખરીદી કરી રહ્યા છે.
રૂ. 6.05 લાખ કરોડથી વધીને રૂ. સાત લાખ કરોડ સુધી પહોંચી શકે છે વેપાર
ગયા વર્ષે નવરાત્રિથી દિવાળી સુધી કુલ રૂ. 6.05 લાખ કરોડનો વેપાર થયો હતો. જેમાં ચીજવસ્તુઓના વેચાણમાંથી રૂ. 5.40 લાખ કરોડ અને સેવાઓના ક્ષેત્રમાંથી રૂ. 65,000 કરોડનો વેપાર થયો હતો. આ વર્ષે કુલ વેપાર રૂ. સાત લાખ કરોડથી વધુ રહેવાનો અંદાજ છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 15થી 18 ટકાનો વધારો થઈ શકે છે. આ અંદાજમાં ચીજવસ્તુઓના વેચાણની સાથે સેવાઓના ક્ષેત્રનો વેપાર પણ સામેલ છે.

કયા ક્ષેત્રમાં કેટલા વેપારની આશા?
ક્ષેત્રવાર વાત કરીએ તો કરિયાણા અને FMCG ક્ષેત્રનો વેપાર વર્ષ 2025ના રૂ. 76,200 કરોડથી વધીને વર્ષ 2026માં રૂ. 84,000 કરોડ સુધી પહોંચી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ ક્ષેત્રમાં વેપાર રૂ. 48,400 કરોડથી વધીને રૂ. 56,000 કરોડ થઈ શકે છે.
.






