ધોલેરા: ઔદ્યોગિક સ્માર્ટ સિટી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (DSIR)ને પર્યાવરણને અનુકૂળ અને સંપૂર્ણ ગ્રીન હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક સાયન્ટિફિક પ્લાન્ટેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે વન અને પર્યાવરણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી.
19.5 હેક્ટર વિસ્તારમાં હરિયાળી ફેલાવવાનું લક્ષ્ય
કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વનીકરણ અભિયાનના મોનિટરિંગ દરમિયાન વન વિભાગની સરાહનીય કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. વન વિભાગ દ્વારા અહીં કુલ 19.5 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પ્લાન્ટેશનની કામગીરી સંભાળવામાં આવી રહી છે. જેમાંથી અત્યાર સુધીમાં 10.5 હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મંત્રીએ આ મુલાકાત દરમિયાન કામની પ્રગતિ, પ્લાન્ટેશનની ગુણવત્તા અને વોટરિંગ સિસ્ટમનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
પડકારજનક જમીન સામે આધુનિક ‘ડ્રમ મેથડ’ કારગત નીવડી
ધોલેરાની જમીન ઉચ્ચ ક્ષારયુક્ત છે અને અહીં પાણીની પણ અછત છે. આવા ભૌગોલિક પડકારો વચ્ચે છોડને લાંબો સમય જીવંત રાખવા માટે વન વિભાગ દ્વારા આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ ‘ડ્રમ મેથડ’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિની ખાસિયતો નીચે મુજબ છે:
-
મૂળનું રક્ષણ: ભારે મજબૂતી ધરાવતા ડ્રમનો ઉપયોગ કરીને છોડના મૂળને આસપાસની દૂષિત કે ક્ષારયુક્ત માટીથી અલગ રાખવામાં આવે છે.
-
ભેજની જાળવણી: ખાસ ‘મોઇશ્ચર રીટેન્શન ટેકનિક’થી છોડમાં લાંબા સમય સુધી ભેજ જાળવી રાખવામાં આવે છે.
-
અભૂતપૂર્વ સફળતા: આ જ આધુનિક વૈજ્ઞાનિક અભિગમના કારણે અહીં પ્લાન્ટેશનનો જીવંત રહેવાનો દર 94% થી 97% જેટલો ઊંચો નોંધાયો છે, જે સામાન્ય વનીકરણની સરખામણીએ ઘણો વધારે છે.

સ્થાનિક જૈવવિવિધતા માટે 17થી વધુ દેશી પ્રજાતિઓની પસંદગી
પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે તે હેતુથી આ પ્રોજેક્ટમાં માત્ર ભારતીય અને સ્થાનિક પ્રજાતિના વૃક્ષોને જ સ્થાન આપવામાં આવ્યું છે. ધોલેરાની ધરતી પર વડ, પીપળો, પારસ પીપળો, અર્જુન સાદડ, ગુલમહોર, કાંજી, ખાખરો, કેસુડો, ગુંદા અને ગુંદી જેવી 17 કરતાં વધુ દેશી પ્રજાતિઓનું વાવેતર થઈ રહ્યું છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ આ વૈજ્ઞાનિક મોડલને બિરદાવતા જણાવ્યું હતું કે, આ સુઆયોજિત વનીકરણ ધોલેરાના ગ્રીન ફ્યુચર માટે માઈલસ્ટોન સાબિત થશે.
ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ
આ મુલાકાત સમયે અમદાવાદના ડીસીએફ ડૉ. મીનલ જાની, ધોલેરાના આરએફઓ પ્રકાશ દેસાઈ અને વન વિભાગની ટેકનિકલ ટીમે હાજર રહીને પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, સ્થાનિક સરપંચ તેમજ અન્ય તાલુકા પંચાયતના સભ્યો અને અગ્રણીઓ પણ પર્યાવરણના આ મહાઅભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.






