નવી દિલ્હીઃ ફિલ્મમેકર અને સિંગર પલાશ મુચ્છલ સોશિયલ મિડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમની કોઈ અન્ય મહિલાની સાથે થયેલી કહેવાતી પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ લીક થયા હતા. આ વિવાદ એવા સમયે શરૂ થયો જયારે થોડા જ દિવસ પહેલાં ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાની સાથે તેમનાં થનારાં લગ્ન સ્થગિત કરવામાં આવ્યાં છે.
Reddit અને Instagram પર ચાલી રહેલા અહેવાલ અનુસાર એક અજાણી મહિલાએ દાવો કર્યો કે તે પલાશ સાથે વાતચીત કરી રહી હતી. આ મહિલાએ ખુલ્લેઆમ એવા સ્ક્રીનશોટ્સ પણ વાયરલ કર્યા, જેમાં કહેવાતી રીતે પલાશ અને તેની વચ્ચેની ફ્લર્ટિંગ ચેટ છે, જેને કારણે આ સોશિયલ મિડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
આ સ્ક્રીનશોટ્સ એવા સમયે સામે આવ્યા, જયારે પલાશની બહેન અને સિંગર પલક મુચ્છલે કન્ફર્મ કર્યું હતું કે 23 નવેમ્બરે થનારી પલાશ અને સ્મૃતિનાં લગ્ન હવે નિયત સમયે નહીં થાય.
મહિલા દ્વારા શેર કરાયેલા કહેવાતી સ્ક્રીનશોટ્સમાં જોવા મળે છે કે પલાશે તેની ગુણોની પ્રશંસા કરી હતી અને ક્રિકેટર સાથેના પોતાના ‘લોન્ગ ડિસ્ટન્સ’ રિલેશનશિપ વિશે વાત કરી હતી. કેટલીક પોસ્ટ્સમાં આ મહિલાનું નામ મેરી ડિકોક્સ્ટા તરીકે જણાવાયું છે. આ ચેટ્સમાં આઉટિંગ વિશેની ચર્ચાઓ પણ છે,જેમ કે સ્પા માટે જવું, સ્વિમિંગ કરવું અને સવારે વર્સોવા બીચ પર અચાનક મળવાનું પ્લાનિંગ. જો આ ચેટ્સ અસલી છે, તો ઘણા ઓનલાઇન યુઝર્સ તેને ફ્લર્ટિંગ ગણાવી રહ્યા છે.
જોકે આ સ્ક્રીનશોટ્સની સચાઈની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, તેમ છતાં આ મામલો સોશિયલ મિડિયા પર ચર્ચા, ટીકા અને અનેક પ્રકારની અટકળોને વધારી રહ્યો છે. સોશિયલ મિડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ઘણા લોકો પલાશની આલોચના કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સંયમ રાખવાની વિનંતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પરિવાર પહેલેથી જ સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી આરોપોને વધારી ચઢાવી રજૂ ન કરવા જોઈએ.




