શું આખરે અમેરિકા ઈરાન સામે ઝૂક્યું?

પશ્ચિમ એશિયાના સૈન્ય સંઘર્ષ અને યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ આ દિવસોમાં ભયાનક ઊર્જા સંકટ (Global Energy Crisis) નો સામનો કરી રહ્યું છે. આ કટોકટી વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનની સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોને કાબૂમાં લેવા અને ઊર્જા પુરવઠો જાળવી રાખવા માટે ઈરાની તેલના વેચાણ પર લાગેલા કડક પ્રતિબંધોને અસ્થાયી ધોરણે (Temporarily) હટાવી દીધા છે. મીડિયા અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા અને શાંતિ સમજૂતી કરવા માટે પડદા પાછળ ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસોના ભાગરૂપે અમેરિકાએ આ મોટો નિર્ણય લીધો છે.

ઈરાનનો દાવો અને અમેરિકા સામે શરતો

રાનની સત્તાવાર સરકારી ન્યૂઝ એજન્સી ‘તસ્નીમ’ (Tasnim) ના અહેવાલ મુજબ, અમેરિકી સરકારે તાજેતરમાં ઈરાન પર લાદવામાં આવેલા કેટલાક આર્થિક પ્રતિબંધો હળવા કર્યા છે. જોકે, તેહરાનની ઈસ્લામિક સરકાર વોશિંગ્ટન પર સતત એવું દબાણ બનાવી રહી છે કે માત્ર અસ્થાયી જ નહીં પરંતુ ઈરાન પરના તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો કાયમી ધોરણે હટાવી લેવામાં આવે. આ ઉપરાંત, ભવિષ્યમાં થનારી કોઈ પણ શાંતિ ડીલ (Deal) માં ઈરાને એવી શરત પણ મૂકી છે કે અમેરિકા લેખિત આશ્વાસન આપે કે તે ભવિષ્યમાં ક્યારેય ઈરાની તેલ પર ફરીથી પ્રતિબંધો નહીં લાદે. જોકે, અમેરિકા તરફથી હજુ સુધી આવી કોઈ સત્તાવાર ગેરેંટી આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દાવો અત્યાર સુધી માત્ર ઈરાન તરફથી જ કરવામાં આવ્યો છે અને વ્હાઇટ હાઉસ કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર કે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ભારત અને ચીન જેવા દેશો પર શું થશે અસર?

નોંધનીય છે કે આ અગાઉ પણ અમેરિકાએ યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઈલની અછત વર્તાતા ઈરાન અને રશિયા પાસેથી તેલ ખરીદવા પરના જૂના પ્રતિબંધોમાં ઢીલ આપી હતી, જેનો સીધો ફાયદો ભારત અને ચીન સહિત દુનિયાના અનેક દેશોને થયો હતો. વર્ષ 2019 માં અમેરિકી પ્રતિબંધોના કડક અમલના કારણે ભારતે ઈરાન પાસેથી તેલની આયાત સંપૂર્ણપણે બંધ કરવી પડી હતી. પરંતુ વર્ષ 2026 માં યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે ભારતે પોતાના વ્યૂહાત્મક હિતોને આગળ રાખીને ફરી એકવાર ઈરાની તેલની ખરીદી શરૂ કરી હતી, જે વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારતનું એક બહુ મોટું કદમ માનવામાં આવતું હતું. હવે જો આ પ્રતિબંધો સંપૂર્ણ હટે છે, તો ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ મળવાનો માર્ગ વધુ મોકળો બનશે.