હૈદરાબાદઃ તેલંગાણાના મહબૂબાબાદમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક “ડિજિટલ અરેસ્ટ” નામની સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા અને ઠગોએ તેમની પાસેથી 82 લાખ રૂપિયા ઠગી લીધા છે. ઠગોએ પોતાને ટેલિકોમ અધિકારી, પોલીસ અને CBI અધિકારી તરીકે ઓળખાવી દંપતીને ખોટા કેસ અને ધરપકડની ધમકી આપી હતી.
છેતરપિંડીની શરૂઆત 11 એપ્રિલે થઈ, જ્યારે શિક્ષકની પત્નીને એરટેલ અધિકારી હોવાનું કહીને એક ફોન આવ્યો હતો. ફોન કરનારાએ ચેતવણી આપી કે નિવૃત્ત શિક્ષકનો મોબાઇલ નંબર બ્લોક કરી દેવામાં આવશે, કારણ કે તેમના આધાર કાર્ડ સાથે કથિત રીતે હેરાનગતિના 17 કેસ જોડાયેલા છે.ત્યાર બાદ પોલીસ યુનિફોર્મમાં રહેલા એક ઠગે પોતાને બેંગલુરુના સબ-ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવ્યો હતો અને વોટ્સએપ વિડિયો કોલ દ્વારા દંપતી સાથે વાત કરી હતી. તેણે ખોટો દાવો કર્યો હતો કે શિક્ષકના આધાર કાર્ડની માહિતીનો ઉપયોગ કરીને મુંબઈની કેનેરા બેંકમાં એક ખાતું ખોલવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા 75 લાખ રૂપિયા જમા છે. ઠગોએ દંપતીને એક નકલી ધરપકડ વોરંટ પણ બતાવ્યું અને તેમને કથિત “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખ્યા હોવાનું કહ્યું હતું. એ સાથે જ ચેતવણી આપી હતી કે આ મામલો કોઈને પણ ન કહેવામાં આવે. અન્ય એક આરોપીએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી દંપતીને સતત ધમકાવ્યા હતા.
નિવૃત્ત શિક્ષક અને તેમની પત્નીએ પોતાની જીવનભરની બચત, ફિક્સ્ડ ડિપોઝિટ અને લોનની રકમ પણ ઠગો દ્વારા આપેલાં ખાતાંઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. પીડિતોએ 15 એપ્રિલે 49 લાખ રૂપિયા, 18 એપ્રિલે 22.22 લાખ રૂપિયા અને 22 એપ્રિલે 11.22 લાખ રૂપિયા RTGS મારફતે ઠગોનાં ખાતાંમાં મોકલ્યા હતા.
સાયબર ગુનેગારો દંપતીને આશ્વાસન આપતા રહ્યા હતા કે બીજી મે સુધી “કાનૂની ચકાસણી” બાદ રકમ પરત આપી દેવામાં આવશે. પરંતુ ત્રીજી મેથી આરોપીઓએ પોતાના ફોન બંધ કરી દીધા અને કોઈ જવાબ આપ્યો નહીં. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં દંપતીએ પોલીસનો સંપર્ક કર્યો અને મહબૂબાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઉપાધિક્ષક તિરુપતિ રાવે જણાવ્યું હતું કે પીડિતોની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને સાયબર ગુનેગારોને શોધી કાઢીને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા પ્રયાસો ચાલુ છે.




