ગુજરાતમાં આજથી ‘વસતી ગણતરી-2027’નો પ્રારંભ: પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થઈ રહી છે.જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે.

વસ્તીગણતરી-2027 અન્વયે આજથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન (HLO)ની વ્યાપક કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તાલીમબદ્ધ ગણતરીદારો અને સુપરવાઇઝર સહિતની ટીમોએ ફિલ્ડમાં ઉતરીને વસ્તીગણતરીના પ્રથમ તબક્કાનું પ્રશાસનિક કાર્ય હાથ ધર્યું છે. સમગ્ર જિલ્લામાં આ પ્રક્રિયા સુચારુ અને સચોટ રીતે સંપન્ન થાય તે માટે મનપા અને વહીવટી તંત્રએ તમામ સ્તરે વિસ્તૃત આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી છે.

રાજ્યભરમાં શરૂ થઈ હાઉસ લિસ્ટિંગની કામગીરી

વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું કે અગાઉ જાહેર કરાયેલા 25 પ્રશ્નોની સ્વ-ગણતરી પ્રક્રિયામાં અનેક લોકોએ માહિતી ભરી દીધી છે. હવે 1 જૂનથી રાજ્યભરમાં પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી)ની કામગીરી શરૂ થઈ છે, જેમાં આશરે 1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા છે. ગણતરીકારો ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરશે તેમજ 33 પ્રશ્નોની માહિતી એકત્રિત કરશે. સ્વ-ગણતરી દરમિયાન ભરાયેલી વિગતોમાં કોઈ સુધારો કરાવવો હોય તો નાગરિકો ગણતરીકારને જરૂરી માહિતી આપી શકશે.

પ્રથમ તબક્કો (1થી 30 જૂન, 2026)

આ એક મહિના દરમિયાન ગણતરીદારો દ્વારા ઘરેઘરે જઈને ‘ઘર-યાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જેમાં આવાસની સ્થિતિ, પરિવારના સભ્યો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને અન્ય ભૌતિક અસ્કયામતોને લગતા કુલ 33 પ્રશ્નો આધારિત ડેટા એકત્રિત કરાશે.

બીજો તબક્કો (9થી 28 ફેબ્રુઆરી, 2027)

આ આખરી તબક્કામાં મુખ્ય વસતી ગણતરીની સાથે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સત્તાવાર રીતે ‘જાતિ ગણતરી’ (PE)ની કામગીરી પણ સંયુક્ત રૂપે પૂર્ણ કરવામાં આવશે.

સ્વ-ગણતરીને સારો પ્રતિસાદ

રાજ્યમાં ગત 17 મેથી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત 30 મે સુધીમાં 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ પોર્ટલ પર સ્વ-ગણતરીના ફોર્મ ભર્યા છે. આ પૈકી 3.30 લાખથી વધુ અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે આશરે 44,000 ફોર્મ હાલ પ્રક્રિયા હેઠળ છે.