નવી દિલ્હી: હવે દેશમાં માત્ર સરહદ પર જ નહીં, પરંતુ ડિજિટલ દુનિયામાં પણ દેશના દુશ્મનોને રોકવા માટે અભિયાન શરૂ થયું છે. આ અભિયાન છે — ઓપરેશન ડિજિટલ સ્ટ્રાઈક. દેશમાં ઝેર ઓકતા, નફરત ફેલાવતા અને આતંકવાદી પ્રચારકામ કરનારા અનેક સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને અન્ય ગુપ્તચર એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. આમાં માત્ર ભારતમાં રહેલા લોકો નહીં, પરંતુ પાકિસ્તાન, ચીન, ખાલિસ્તાન સમર્થક જૂથો, ISISના પ્રચારક અને વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો પણ સામેલ છે.
NIA પાસે એક વિશિષ્ટ ટીમ છે, જે 24×7 સોશિયલ મિડિયા પર નજર રાખે છે. આ ટીમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X (ટ્વિટર), યુટ્યુબ, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવી તમામ મોટી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર દેશ વિરુદ્ધના કન્ટેન્ટને AI ટૂલ્સ દ્વારા સ્કેન કરે છે. AI અલ્ગોરિધમ્સની મદદથી કોઈ પણ પોસ્ટ, વિડિયો કે મેસેજમાં આતંકવાદી વિચારધારા, ખોટી માહિતી, સાંપ્રદાયિક ઉશ્કેરણી આપતી પોસ્ટ, દેશદ્રોહ કે અશ્લીલ સામગ્રી શોધી કાઢવામાં આવે છે અને ત્યાર બાદ તરત પગલાં લેવામાં આવે છે.
શંકાસ્પદ એકાઉન્ટ્સના પોસ્ટ્સ, મેસેજીસ, શેરિંગ ઇતિહાસ, IP એડ્રેસ વગેરેનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે. સ્ક્રીનશોટ્સ, લિંક્સ અને ટેક્નિકલ મેટાડેટા સાચવી લેવામાં આવે છે જેથી પછી કોર્ટ કે કંપનીઓને રજૂ કરી શકાય. એજન્સીઓ મેટા, X, યુટ્યુબ અને ટેલિગ્રામ જેવી કંપનીઓને બ્લોકિંગ રિક્વેસ્ટ મોકલે છે. આ રિક્વેસ્ટસ ભારતના કાયદાની વિવિધ કલમો હેઠળ મોકલવામાં આવે છે. ઘણા કેસમાં ગૃહ મંત્રાલય મારફતે પણ એકાઉન્ટ બ્લોક કરાવવામાં આવે છે.
NIA આ બધા પર ખાસ નજર રાખી રહી છે. વર્ષ 2014માં જ્યાં ફક્ત 471 એકાઉન્ટ/URL બ્લોક કરવામાં આવ્યા હતા, ત્યાં 2023માં આ આંકડો 12,483 સુધી પહોંચી ગયો હતો. 2024માં સપ્ટેમ્બર સુધીમાં જ 8821 લિંક્સ અથવા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ પ્રમાણે જોવામાં આવે તો 2021થી 2024 વચ્ચે ફેસબુક પર 11,000, X (ટ્વિટર) પર 10,139, યુટ્યુબ પર 2200, ઇન્સ્ટાગ્રામ પર 2198 જેટલી URLs બ્લોક થઈ છે. જ્યારે વોટ્સએપ અને ટેલિગ્રામ પર પણ સેંકડો ગ્રુપ અને એકાઉન્ટ્સ બંધ કરાયા છે.
ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર સૌથી મોટો પ્રહાર
હમણાં જ થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન લગભગ 8,000 પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ્સ ભારતમાં ધાર્મિક નફરત ફેલાવવાનો, ખોટા વીડિયો દ્વારા દંગલ ભડકાવવાનો અને દેશવિરુદ્ધ વાતાવરણ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતા.
