કાવડ અને નમાઝને લઈને દિગ્વિજય સિંહની વિવાદાસ્પદ પોસ્ટ

ભોપાલઃ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહની એક ફેસબુક પોસ્ટને લઈને વિવાદ ઊભો થયો છે. દિગ્વિજય સિંહે ફેસબુક પોસ્ટમાં બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં કાવડ યાત્રાને રસ્તા પર દર્શાવવામાં આવી છે, જ્યારે બીજી તસવીરમાં નમાજ અદા કરતા લોકો નજરે પડે છે. આ પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે – ‘એક દેશ, બે કાયદા?’

ભાજપે આ પોસ્ટ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે દિગ્વિજય સિંહને ‘મૌલાના’ કહીને ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે તેઓ માત્ર સનાતન ધર્મનો વિરોધ કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહ કાવડ યાત્રા જેવો પવિત્ર તહેવાર વિવાદાસ્પદ બનાવવા માગે છે.

વિશ્વાસ સારંગે વધુમાં કહ્યું હતું કે જે વ્યક્તિ ઝાકિર નાઈકની પ્રશંસા કરે છે, આતંકવાદીઓને આશરો આપે છે, સેનાના ઓપરેશન્સ પર સવાલ ઊભા કરે છે, પાકિસ્તાનતરફી નિવેદનો આપે છે અને તુષ્ટિકરણનું રાજકારણ કરે છે, તેમના પાસેથી બીજી આશા રાખી ન શકાય.

તેમણે કહ્યું હતું કે દિગ્વિજય સિંહ હંમેશાં હિન્દુ ધર્મના અનુયાયીઓ, સાધુ-સંતો અને હિન્દુ તહેવારોનું અપમાન કરતા આવ્યા છે, એટલે જ તેમને ‘મૌલાના દિગ્વિજય સિંહ’ કહેવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે દિગ્વિજય સિંહે જ ‘ભગવા આતંકવાદ’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને સનાતન ધર્મને દુનિયામાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. હું તેમને કહેવા માગું છું કે હિન્દુ અને સનાતન ધર્મના કોઈ પણ તહેવાર પર આવા પ્રકારની ટિપ્પણી થશે તો એ સહન નહીં કરવામાં આવે.