ચૂંટણી પંચમાં મતભેદઃ કોંગ્રેસની મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચની અંદર ચૂંટણી કમિશનરો વચ્ચેના મતભેદને લઈને કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે બંને ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનર વચ્ચે થયેલા પત્રવ્યવહારને જાહેર કરવામાં આવવો જોઈએ. તેમણે ચૂંટણી પંચની કામગીરીનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવવાની વાત કરી છે.

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ આ મામલે ટિપ્પણી કરી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચમાં ત્રણ સભ્યો હોય છે. આવી સ્થિતિમાં જો બે ચૂંટણી કમિશનરો કોઈ નિર્ણય સામે વાંધો ઉઠાવી રહ્યા હોય, તો નિર્ણય કઈ રીતે લેવામાં આવ્યો તે અંગે સવાલ ઊભો થવો સ્વાભાવિક છે. તેમણે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ લેવાયેલા કેટલાક નિર્ણયો સામે ઓછામાં ઓછા ૧૪ વખત વાંધો ઉઠાવ્યો હતો. આ મામલાઓમાં મતદાર યાદીમાં ફેરફાર, નવા મતદારોની નોંધણી, નામ દૂર કરવા અને ડિજિટલ સિસ્ટમ સાથે જોડાયેલા મુદ્દાઓ સામેલ છે.

ચૂંટણી પંચની પ્રતિષ્ઠા, વિવાદ દુર્ભાગ્યપૂર્ણ: ઓ.પી. રાવત

ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે વિશેષ સઘન સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિઓ અંગે બે ચૂંટણી કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલી વાંધાની વાતને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આવું ક્યારેય થવું જોઈએ નહીં, કારણ કે ચૂંટણી પંચ એવી સંસ્થા રહી છે, જેની દુનિયાભરમાં હંમેશાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવા માટે પ્રતિષ્ઠા રહી છે. તેથી આ વિવાદનો ઉકેલ ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરે સાથે મળીને લાવવો જોઈએ.