નવી દિલ્હીઃ ચૂંટણી પંચની અંદર અગાઉ પણ અધિકારીઓ વચ્ચે મતભેદ થયા છે, પરંતુ એવું પહેલીવાર બન્યું છે કે બે ચૂંટણી કમિશનરોએ લેખિતમાં સીધા જ ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પર સવાલ ઉઠાવ્યા છે. ચૂંટણી પંચે જૂન, 2025માં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) હેઠળ મતદાર યાદીમાં સુધારાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ પ્રક્રિયાની શરૂઆત બિહારથી થઈ હતી. SIR હેઠળ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યાં છે.
આ પ્રક્રિયાને લઈને ચૂંટણી પંચની ટીકા પણ થઈ હતી અને સવાલો ઊઠ્યા હતા કે મતદાર યાદીમાંથી કોનું નામ રાખવું અને કોનું નામ દૂર કરવું તે કેવી રીતે નક્કી કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચમાં ત્રણ સભ્યો હોય છે. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીનો સમાવેશ થાય છે.
સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ઉઠાવ્યા સવાલો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે SIRની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચની અંદર જ કેટલાક નિર્ણયોને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સવાલો ત્રણમાંથી બે ચૂંટણી કમિશનર—સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ઉઠાવ્યા હતા. SIRને દેશમાં લાગુ કરવાની પ્રક્રિયા ત્રણેય ચૂંટણી કમિશનરોની દેખરેખ હેઠળ થઈ હતી. જોકે સંધુ અને જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત સત્તાવાર રીતે કેટલાક નિર્ણયો અને આદેશો સામે વાંધો નોંધાવ્યો હતો. બંનેના જણાવ્યાનુસાર આમાંથી કેટલાક નિર્ણયો અને આદેશો તેમની જાણકારી વિના લેવામાં અથવા જારી કરવામાં આવ્યા હતા. એક જ દિવસે ચાર વખત પણ વાંધો નોંધાવવામાં આવ્યો હતો.

ચૂંટણી કમિશનરોનો શા હતા વાંધા?
ચૂંટણી કમિશનરોના વાંધા ચૂંટણી પંચની મુખ્ય જવાબદારીઓ સાથે જોડાયેલા હતા. તેમાં નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાંથી નામ દૂર કરવું અને ફરીથી નામ ઉમેરવું, SIR પ્રક્રિયામાં મતદારોના નામ પુનઃસ્થાપિત કરવાના આદેશો સામે અપીલ કરવી તથા મતદાર યાદીની સુરક્ષા જેવા મુદ્દાઓ સામેલ હતા. આ તમામ વાંધાઓની નકલો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પણ મોકલવામાં આવી હતી. કેટલાક વાંધાઓ ડેપ્યુટી ચૂંટણી કમિશનરોને પણ મોકલવામાં આવ્યા હતા. આવા જ એક લેખિત વાંધામાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ ફરિયાદ કરી હતી કે ચૂંટણી પંચે બે ચૂંટણી કમિશનરોની લેખિત સલાહની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમણે આ પગલાને ‘અનધિકૃત અને ગેરકાયદે’ ગણાવ્યું હતું. ત્યાર બાદ વિવેક જોશી અને સુખબીર સિંહ સંધૂએ અલગ-અલગ પત્રો લખીને કેબિનેટ સચિવ સમક્ષ કામના વિભાજનમાં કરવામાં આવેલા ફેરફારો અંગે પણ ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત, બંને કમિશનરોએ મતદાર યાદીના ડેટાબેઝ પર નિયંત્રણ વધુ કેન્દ્રીય બનવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આથી મેદાન પર મતદાર યાદી તૈયાર કરવાની કાયદેસર જવાબદારી ધરાવતા અધિકારીઓની સત્તા અને એક્સેસ પ્રભાવિત થઈ શકે છે.




