ચેન્નઈઃ તામિલનાડુમાં સરકાર રચનાને લઈને રાજકીય ગૂંચવણ યથાવત્ છે. વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતાં હજુ સુધી નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો નથી. જોકે સૌથી વધુ બેઠકો જીતનાર અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) સરકાર બનાવવા માટે પ્રયત્નશીલ છે. સરકાર બનાવવા માટે TVKને 118 ધારાસભ્યોની જરૂર છે, પરંતુ પાર્ટીએ 108 બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં રાજ્યપાલે TVK પ્રમુખ વિજય પાસે 118 ધારાસભ્યોની યાદી માગી છે.
એ દરમિયાન અહેવાલો મુજબ TVKએ ગુરુવારે સાંજે ચેતવણી આપી છે કે જો દ્રવિડ પક્ષોમાંથી કોઈ પણ — એમ.કે. સ્ટાલિનની DMK અથવા ઈ. પલાનીસ્વામીની AIADMK — સરકાર બનાવવાનો દાવો કરશે તો પાર્ટીના તમામ ધારાસભ્યો સામૂહિક રાજીનામાં આપી દેશે.
આ નિર્ણય DMK અને AIADMK વચ્ચે થયેલી બે મહત્વપૂર્ણ બેઠકો બાદ આવ્યો હોવાનું કહેવાય છે. TVKને શંકા છે કે બંને દળો રાજ્યમાં સરકાર બનાવવા માટે મળીને કામ કરી રહ્યા છે અને સૌથી વધુ બેઠકો જીતનાર પાર્ટીને સત્તાથી દૂર રાખવા માગે છે. પાર્ટી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જો DMK અથવા AIADMK સરકાર રચવા આગળ વધશે તો TVK પોતાના તમામ 107 ધારાસભ્યોનાં સામૂહિક રાજીનામાં અંગે વિચાર કરી શકે છે. હાલની રાજકીય અનિશ્ચિતતા વચ્ચે વિજયના ખેમામાં વધતી બેચેનીનો આ સંકેત માનવામાં આવી રહ્યો છે.

જોકે વિજયે પોતે આ પ્રકારની ચેતવણી સત્તાવાર રીતે આપી નથી, પરંતુ ચૂંટણી પછીની વાટાઘાટો અનિર્ણાયક રહેતાં અને બહુમતીના આંકડાને કારણે સરકાર રચનામાં અવરોધ ઊભો થતાં પાર્ટીની અંદરની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટનાક્રમ તે અહેવાલો પછી સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે DMKએ TVKને સત્તામાં આવતાં અટકાવવા માટે પોતાની કટ્ટર પ્રતિસ્પર્ધી AIADMK સાથે ગુપ્ત ચર્ચાઓ શરૂ કરી છે. 23 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં DMKને 59 બેઠકો મળી હતી, જ્યારે AIADMKને 47 બેઠકો મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર TVK નેતૃત્વ ખાસ કરીને આ બાબતે નારાજ છે કે DMK અને AIADMK વિજયને સત્તા સંભાળતા અટકાવવા માટે ગુપ્ત ગઠબંધન બનાવી રહ્યા છે, જ્યારે તેમની પાર્ટી વિધાનસભાની સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે.




