DMKએ સીમાંકન બિલને ટેકો આપવાનું કર્યું એલાન

ચેન્નાઈ: DMKએ સીમાંકન અને મહિલા અનામત બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના નેતા દયાનિધિ મારને જાહેરાત કરી કે DMK સંસદમાં નવા સીમાંકન બિલનું સમર્થન કરશે. આ પહેલાં વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી કેન્દ્ર સરકારના એ ફોર્મ્યુલાને સ્વીકારી શકે છે, જેમાં લોકસભાની બેઠકોની સંખ્યા 50 ટકા વધારવાનો પ્રસ્તાવ છે. જોકે આ માટે બંધારણીય સુધારો જરૂરી હશે, જે સંસદમાં તામિલનાડુની હાલની ભાગીદારી (પ્રતિનિધિત્વ)ની ખાતરી આપે.

માનવામાં આવે છે કે પ્રસ્તાવિત ફોર્મ્યુલા DMKની બે મુખ્ય માગોને અનુરૂપ છે. પ્રથમ, લોકસભાની બેઠકોમાં તામિલનાડુનો હાલનો 7.2 ટકા હિસ્સો સુરક્ષિત રહે અને બીજી, 1971ની વસ્તી ગણતરીને આધારે રાજ્યોને ફાળવવામાં આવેલી બેઠકોનું પ્રમાણ આગામી 25 વર્ષ સુધી સ્થિર રાખવામાં આવે. જોકે ડીએમકેની મુખ્ય શરત એ છે કે આ સુરક્ષાત્મક જોગવાઈઓને બંધારણીય સુધારા દ્વારા સામેલ કરવામાં આવે. પાર્ટી એ સુનિશ્ચિત કરવા માગે છે કે આ પ્રસ્તાવિત વ્યવસ્થામાં પાછળથી ફેરફાર ન થઈ શકે અને 2027ની વસ્તી ગણતરીને આધારે વસ્તીના પ્રમાણમાં થનારું સીમાંકન આપમેળે લાગુ ન થઈ જાય. પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં લોકસભાના સાંસદોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં DMKએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

DMKએ જણાવ્યું કે સંસદની કુલ બેઠકો વધારવા સામે પાર્ટીને કોઈ વાંધો નથી, પરંતુ તેની ચિંતા એ સુનિશ્ચિત કરવાની છે કે આ પ્રક્રિયામાં તામિલનાડુનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટી ન જાય. પાર્ટીના એક વરિષ્ઠ સૂત્રએ કહ્યું હતું કે અમે સંસદનું કદ વધારવા માગતા નથી, પરંતુ જો તેઓ બેઠકો વધારવા પર અડગ હોય, તો ઓછામાં ઓછો અમારો હિસ્સો તો સુરક્ષિત રહેવો જોઈએ. 

 

ડીએમકેના પૂર્વ સહયોગી કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી કે ભાજપ સીમાંકન પ્રક્રિયામાં મતવિસ્તારોની એવી રીતે વહેંચણી કરી શકે છે, જેનાથી સત્તાધારી પાર્ટીને ફાયદો થાય. આ અંગે DMKનાં સૂત્રોનું કહેવું છે કે પ્રસ્તાવિત ફોર્મ્યુલા હેઠળ દક્ષિણનાં રાજ્યોમાં તેમને આવી કોઈ સમસ્યા દેખાતી નથી. ડીએમકે પાસે લોકસભાના 22 સાંસદો છે. બંધારણ મુજબ જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવાના સરકારના પ્રયાસોમાં આ સાંસદોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે.