નવી દિલ્હીઃ શું E20 પેટ્રોલથી વાહનનું માઈલેજ ઘટી જાય છે? શું જૂનાં વાહનોના એન્જિનને નુકસાન પહોંચી શકે છે? આવા પ્રશ્નો પર કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં સરકારનું સત્તાવાર વલણ રજૂ કર્યું છે. રાજ્યસભામાં પુછાયેલા સવાલના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી કરવામાં આવેલાં વ્યાપક વૈજ્ઞાનિક પરીક્ષણોમાં E20 પેટ્રોલને કારણે વાહનોની કામગીરી (Performance) અથવા એન્જિનની ટકાઉ ક્ષમતા (Durability) પર કોઈ મોટી નકારાત્મક અસર જોવા મળી નથી.
માઈલેજ માત્ર ફ્યુઅલ પર નિર્ભર નથી
ગડકરીએ જણાવ્યું હતું કે માઈલેજ માત્ર ઇંધણના પ્રકાર પર આધારિત નથી. તે ડ્રાઇવિંગની રીત, રસ્તાની સ્થિતિ, ટ્રાફિક, વાહનની જાળવણી અને એન્જિનની હાલત જેવાં અનેક પરિબળો પર નિર્ભર છે. તેથી માત્ર E20 પેટ્રોલને માઈલેજ ઘટાડવાનું કારણ ગણાવી શકાય નહીં.
જૂનાં વાહનો વિશે સરકારે શું કહ્યું?
રાજ્યસભામાં આપવામાં આવેલા લેખિત જવાબ મુજબ, ઇન્ડિયન ઓઇલ (IOCL), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP), સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહનો પર સંયુક્ત અભ્યાસ કરવામાં આવ્યો હતો.
અભ્યાસમાં શું જાણવા મળ્યું?
ગડકરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી થયેલા અભ્યાસ મુજબ જૂનાં (Legacy) વાહનોની કામગીરીમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. એ ઉપરાંત એન્જિન અથવા અન્ય ભાગોમાં અસામાન્ય ઘસારો (Wear and Tear) પણ નોંધાયો નથી. ડ્રાઇવેબિલિટી, વાહન સ્ટાર્ટ થવાની ક્ષમતા, ધાતુ અને પ્લાસ્ટિકના ભાગોની સુસંગતતા જેવી વિવિધ તપાસોમાં પણ કોઈ મોટી સમસ્યા સામે આવી નથી.
શું એન્જિનમાં ફેરફાર કરાવવો પડશે?
ગડકરીએ જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન કાર અથવા બાઇકના એન્જિનમાં કોઈ પ્રકારનું મોડિફિકેશન કરવાની જરૂરિયાત જોવા મળી નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે એપ્રિલ, 2005થી અમલમાં આવેલા BS-III ધોરણો ધરાવતાં અને 2016 પહેલાં બનાવાયેલાં કેટલાંક વાહનોમાં રબરના કેટલાક ભાગો અથવા ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે. આ કામ સામાન્ય સર્વિસિંગ દરમિયાન સરળતાથી કરી શકાય છે.
વિશ્વમાં ઇથેનોલ બ્લેન્ડિંગ કેટલું જૂનું છે?
ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો ઉપયોગ વિશ્વભરમાં છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી થઈ રહ્યો છે. બ્રાઝિલ જેવા દેશોમાં ઘણા દાયકાઓથી E20 કરતાં પણ વધુ ઇથેનોલ મિશ્રણ ધરાવતું ઇંધણ વપરાઈ રહ્યું છે.




