અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન પહોંચ્યા હતા. ચીનના શેનઝેન એરપોર્ટ પર રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. તેમણે ટ્રમ્પને ફૂલોનો ગુલદસ્તો આપીને આવકાર્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ એકબીજાને ભેટતા પણ જોવા મળ્યા હતા. ટ્રમ્પના સ્વાગત માટે એરપોર્ટ પર રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.

પહેલીવાર વિદેશી નેતાના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામાન્ય રીતે કોઈ વિદેશી નેતાના સ્વાગત માટે એરપોર્ટ જતા નથી. આ જવાબદારી અન્ય અધિકારીઓ નિભાવતા હોય છે. જોકે, આ વખતે તેઓ પોતે ટ્રમ્પનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
ટ્રમ્પ APEC સમિટમાં ભાગ લેવા ઉપરાંત જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં અમેરિકા-ચીન વેપાર સંબંધો, ટેરિફ, અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી અને રેર અર્થ મિનરલ્સના પુરવઠા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
ટ્રમ્પની આ મુલાકાત તેમના એશિયા પ્રવાસનો ભાગ છે. આ પહેલાં તેમણે ફિલિપાઈન્સની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર સહિતના નેતાઓ સાથે વાતચીત કરી હતી.
જિનપિંગ અને પુતિન સાથે ત્રિપક્ષીય બેઠકની શક્યતા
ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત થવાની ચર્ચા છે. ત્રણેય નેતાઓ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ પરમાણુ હથિયારો પર નિયંત્રણ અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા અંગે ચર્ચા કરવા માગે છે. જોકે, ટ્રમ્પના સહયોગીઓએ અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે ત્રિપક્ષીય બેઠકમાં યુક્રેન યુદ્ધનો મુદ્દો સામેલ નહીં હોય.






