રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઊજવી દિવાળી, PM મોદીને ગણાવ્યા સારા ‘મિત્ર’

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો હતો અને આ અવસરે ભારતના લોકોનું અભિવાદન કર્યું હતું. ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને તેમને “એક મહાન વ્યક્તિ” ગણાવી હતી. આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા, નવા અમેરિકન રાજદૂત સર્ઝિયો ગોર, FBI ડિરેક્ટર કાશ પટેલ અને નેશનલ ઈન્ટેલિજન્સની ડિરેક્ટર તુલસી ગબાર્ડ હાજર રહ્યાં હતાં.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે જ મેં તમારા વડા પ્રધાન સાથે વાત કરી. વાતચીત ખૂબ સારી રહી. અમે વેપાર વિશે ચર્ચા કરી. તેમને તેમાં ખૂબ રસ છે. થોડા સમય પહેલાં અમે આ મુદ્દે ચર્ચા કરી હતી કે પાકિસ્તાન સાથે કોઈ યુદ્ધ ન થવું જોઈએ. તેમાં વેપારનો મુદ્દો પણ સામેલ હતો, તેથી હું આ વિશે વાત કરી શક્યો. અને હવે આપણા વચ્ચે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે બહુ સારી વાત છે.

તેઓ એક મહાન વ્યક્તિ છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં મારા ખૂબ સારા મિત્ર બન્યા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દિવાળીની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો  હતો.

ટ્રમ્પે ફોન કરીને પીએમ મોદીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

પીએમ મોદીએ તેમના સોશિયલ મિડિયા X પર લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ફોન કોલ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર. પ્રકાશના આ તહેવારે આપણા બે મહાન લોકશાહી દેશો દુનિયાને આશાની કિરણ બતાવતા રહે અને આતંકવાદના તમામ સ્વરૂપો સામે એકતાથી ઊભા રહે.