નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી દરરોજ નવા-નવા નિયમો બનાવી રહ્યા છે. ક્યારે ટેરિફ લગાવીને અમેરિકાનાં હિતની વાત કરે છે તો ક્યારે મેક ઇન અમેરિકાનું સૂત્ર બુલંદ કરીને અમેરિકા ફર્સ્ટ નું સૂત્ર પોકારે છે. તેમનો દાવો છે કે આ બધું દેશવાસીઓનાં હિત માટે અને દેશનો ખજાનો ભરવા માટે કરવામાં આવે છે, પરંતુ હવે તેમના રોકાણના આંકડા જોઈને કોઈનું પણ માથું ફરી જાય એમ છે.
ટ્રમ્પ એક બિઝનેસમેન છે એટલે તેમના નિર્ણયોથી વેપારને ફાયદો થવો સામાન્ય વાત છે. અહીં સુધી બધું ઠીક છે, પરંતુ છેલ્લા છ મહિનામાં તેમણે જે મૂડીરોકાણ કર્યું છે તે ઘણા પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે. અમેરિકન મિડિયાએ દાવો કર્યો છે કે 21 જાન્યુઆરીએ પદ સંભાળ્યા પછીથી લઈને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 100 મિલિયન ડોલર (લગભગ 860 કરોડ રૂપિયા)થી વધુનું મૂડીરોકાણ બોન્ડમાં કર્યું છે. આ બોન્ડ્સ કંપનીઓ, રાજ્ય સરકારો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલાં છે. આ દરમ્યાન તેમને નામે 600થી વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે.
અમેરિકન અધિકારીઓ અનુસાર ટ્રમ્પે સિટી ગ્રુપ, મોર્ગન સ્ટેનલી, વેલ્સ ફાર્ગો, મેટા, ક્વૉલકોમ સહિત ઘણી અન્ય કંપનીઓમાં મૂડીરોકાણ કર્યું છે. તેમણે કંપનીઓ સિવાય રાજ્યો, કાઉન્ટીઓ, જિલ્લાઓ અને ગેસ ડિસ્ટ્રિક્ટ દ્વારા જારી કરાયેલાં બોન્ડ્સમાં પણ મોટા પાયે નાણાં લગાવ્યાં છે.

વ્હાઈટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના તમામ મૂડીરોકાણનો ખુલાસો કરતા રહે છે, પરંતુ તેમાં તેમનો કે તેમના પરિવારનો કોઈ રોલ નથી. ટ્રમ્પે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે તેમનો બિઝનેસ એક ટ્રસ્ટ સંભાળે છે, જેની દેખરેખ તેમનાં બાળકો કરે છે.
ટ્રમ્પે આ સિવાય પણ ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે, જેથી 2024માં લગભગ 500 કરોડની કમાણી થઈ. આ કમાણી ક્રિપ્ટો, ગોલ્ફ પ્રોપર્ટી, લાઈસેન્સિંગ અને અન્ય વેન્ચર્સમાંથી થઈ છે. ટ્રમ્પ પાસે લગભગ 1.6 અબજ ડોલર (લગભગ 14,000 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. તેમાં રાષ્ટ્રપતિ બન્યા પછીથી જબરદસ્ત ઉછાળો આવ્યો છે.


