ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને રશિયાના અર્થતંત્રને નિશાન બનાવતા વ્યાપક પ્રતિબંધો પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. તેમણે અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ને જણાવ્યું હતું કે આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવ્યો છે. ઓક્ટોબરની શરૂઆતમાં કાયદો બનેલા ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ, 2026’ હેઠળ અમેરિકાને ભારત પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાનો અધિકાર મળ્યો હતો.

ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક સમજૂતીની જાહેરાત કરી છે. આ સમજૂતી હેઠળ રશિયા દુનિયાભરમાં ઊર્જાના ભાવ ઘટાડવામાં મદદરૂપ થવા માટે ડીઝલનો પુરવઠો પૂરો પાડશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા શરૂઆતમાં ત્રણ લાખ ટનથી વધુ ડીઝલ મોકલશે. ત્યાર બાદ નવેમ્બર અને આગામી મહિનાઓમાં પણ તેનો પુરવઠો ચાલુ રહેશે.

ઊર્જા અને સંરક્ષણ ઉદ્યોગને નિશાન બનાવવાની યોજના

આ કાયદાને અમેરિકાની સંસદનાં બંને ગૃહો—પ્રતિનિધિ સભા અને સેનેટ—માં મોટા બહુમતથી મંજૂરી મળી હતી. તેનું નામ દક્ષિણ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ કાયદાનો હેતુ રશિયાની ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ સામે કાર્યવાહી કરવાનો હતો. આ પગલાં દ્વારા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ માટે રશિયાને મળતી આવક રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અમેરિકાને ભારત અને ચીન સહિતના એવા દેશો પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો, જે રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી ચાલુ રાખે છે.

આ નિર્ણયથી ભારત સામે મોટો પડકાર ઊભો થયો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે જે વ્યાપક વ્યૂહરચના અપનાવે છે, તે બજારમાં તેલની ઉપલબ્ધતા અને વિશ્વની તત્કાલીન પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. તેમણે વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પત્રકાર પરિષદ દરમિયાન આ વાત કહી હતી. આ પહેલાં પણ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાયદાથી ભારત-અમેરિકાના દ્વિપક્ષી સંબંધો અને વૈશ્વિક ઊર્જા બજાર પર પડી શકતી સંભવિત અસરો અંગે ભારતે અમેરિકાના અધિકારીઓ સાથેની વાતચીતમાં પોતાનો પક્ષ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે.