અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે છેલ્લા 13 દિવસથી દરરોજ થઈ રહેલા હવાઈ હુમલાઓ પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે. બે અઠવાડિયાથી ચાલી રહેલા લશ્કરી અભિયાનમાં આ પ્રથમ વિરામ છે. યુએસ સેના દ્વારા નવા હુમલાનો પ્લાન તૈયાર હોવા છતાં, પ્રમુખ ટ્રમ્પે સેનાને નવી સ્ટ્રાઇક કરવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકાનું ધ્યાન હવે કૂટનીતિ અને વાટાઘાટો તરફ કેન્દ્રિત થઈ રહ્યું છે. જોકે, જરૂર પડે તો અમેરિકાએ પોતાના લશ્કરી અભિયાનને ટૂંક સમયમાં ફરીથી શરૂ કરવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ રાખી છે. અમેરિકી મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પે રાજદ્વારી પ્રયાસોને તક આપવા, સેના પાસે મિસાઇલ ડિફેન્સ સ્ટોક ઘટી રહ્યો હોવાની ચિંતા અને સંઘર્ષ વધુ વ્યાપક બની જવાના ડરથી આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

“ઇરાન સાથે સમજૂતી કરવી વધુ ડહાપણભર્યો નિર્ણય” – ડોનાલ્ડ ટ્રમ્પ
પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે મોટા પાયે પૂર્ણ યુદ્ધ શરૂ કર્યા વિના લશ્કરી કાર્યવાહી તેની મર્યાદા સુધી પહોંચી ચૂકી હતી. તેઓ કૂટનીતિ માટે રસ્તો બનાવવા માગે છે, જેથી જો વાટાઘાટો નિષ્ફળ જાય તો ટૂંકા સમયમાં ફરીથી હુમલા શરૂ કરી શકાય. પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા પૂરેપૂરું તૈયાર છે, પરંતુ તેમનું માનવું છે કે ઇરાન સાથે સમજૂતી કરવી એ વધુ સમજદારીભર્યો રસ્તો છે. તેમણે કહ્યું, અમે હાલમાં તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. મને લાગે છે કે જેમ જેમ દિવસો વિતી રહ્યા છે, તેમ તેમ તેઓ આ બાબતે વધુ ગંભીર બની રહ્યા છે. વોશિંગ્ટનમાં ‘વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન’ના ડિનર દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમને નથી લાગતું કે ઇરાન તરત જ સમજૂતી માટે તૈયાર થઈ જશે, પરંતુ તેઓ વાટાઘાટો ચાલુ રાખવા ઈચ્છે છે.
મિસાઇલ ડિફેન્સ સ્ટોકમાં ઘટાડો બન્યો પેન્ટાગોનની મુખ્ય ચિંતા
હુમલા રોકવા પાછળનું બીજું સૌથી મોટું કારણ પેન્ટાગોન પાસે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સના ઘટી રહેલા સ્ટોકની ચિંતા હતી. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે લશ્કરી અભિયાન લંબાવવાથી મધ્ય-પૂર્વમાં તૈનાત પેટ્રિયોટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ્સનો જથ્થો જોખમી સ્તરે ઓછો થઈ શકે છે. જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને પ્રમુખ ટ્રમ્પને જાણકારી આપી હતી કે પેન્ટાગોને છેલ્લા કેટલાક મહિનાઓમાં 1,200 થી વધુ પેટ્રિયોટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ઉપયોગ કરી લીધો છે. આનાથી ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સૈનિકો, સહયોગી દેશો અને લશ્કરી અડ્ડાઓ પર ઇરાની વળતા હુમલાનું જોખમ વધી શકે છે.
ઉપપ્રમુખ જેડી વેન્સ અને સૈન્ય નેતૃત્વએ આપી સંયમની સલાહ
CNN ના રિપોર્ટ અનુસાર, શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ઉપપ્રમુખ જેડી વેન્સ અને જનરલ ડેન કેન બંનેએ યુદ્ધને વધુ લંબાવવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે ઇરાન સામેનું લશ્કરી અભિયાન હાલમાં ‘હોલ્ડ’ પર રાખવામાં આવ્યું છે. ટ્રમ્પના નજીકના સહયોગીઓએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું વધુ હુમલા કરવાથી પ્રાદેશિક સંઘર્ષના જોખમને વધાર્યા વિના અમેરિકી લક્ષ્યો પ્રાપ્ત કરી શકાશે કે કેમ.
રાજદ્વારી વાટાઘાટોએ પકડી ઝડપ
લશ્કરી વિરામ એવા સમયે આવ્યો છે જ્યારે કૂટનીતિક પ્રયાસો અચાનક ઝડપી બન્યા છે. ઓમાનનું એક પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું છે, જેથી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને જહાજોની અવરજવર માટે ફરીથી ખોલવાની વ્યવસ્થા પર વાતચીત કરી શકાય. આ સાથે જ અખાતી દેશોએ પણ વોશિંગ્ટનને સંયમ જાળવવાની અપીલ કરી છે.




