અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Tuesday ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર ‘Strait of Hormuz’ (હોર્મુઝની ખાડી) નો એક નકશો પોસ્ટ કર્યો છે, જેમાં આ વિસ્તારને ‘NEW U.S. Territory’ (અમેરિકાનો નવો વિસ્તાર) તરીકે દર્શાવવામાં આવ્યો છે. પોસ્ટ કરવામાં આવેલા ગ્રાફિકમાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા હોર્મુઝના વિસ્તારને ગોળ કુંડાલે કરીને તેના પર ‘NEW U.S. Territory’ લખેલું જોવા મળે છે. આ પહેલા પણ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે તેઓ ટૂંક સમયમાં જ આ માર્ગને અમેરિકાનો પ્રદેશ જાહેર કરી શકે છે.

ટ્રમ્પના અગાઉના દાવા અને આક્ષેપો
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને પોતાની પાસે જ રાખશે. તેમણે અમેરિકી નૌકાદળની નાકાબંધીને ‘સ્ટીલની દીવાલ’ ગણાવતા કહ્યું હતું કે ઈરાન આ અંગે કંઈ કરી શકે તેમ નથી. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે ઈરાનનું સૈન્ય માળખું સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું છે, ત્યાં 300% મોંઘવારી છે અને તેમની પાસે માત્ર ફેક ન્યૂઝ બચ્યા છે. ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન પણ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનને સંપૂર્ણ હરાવ્યા બાદ તેઓ આ દરિયાઈ રસ્તાને અમેરિકાનો વિસ્તાર જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છે.
ઈરાનનો પલટવાર અને કડક શરતો
ઈરાને ટ્રમ્પના તમામ દાવાઓને તાત્કાલિક ફગાવી દીધા છે. પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA) એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અમેરિકી અધિકારીઓના વારંવારના નિવેદનો વાસ્તવિકતા બદલી શકતા નથી. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (SNSC) ના વડા મોહસિન રઝાઈએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી અમેરિકા યુદ્ધ અને નાકાબંધી ખતમ ન કરે, ઈરાનની જપ્ત થયેલી સંપત્તિઓ પુનઃસ્થાપિત ન કરે અને લેબનાન તેમજ ગાઝા સહિત સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધવિરામ માટે તૈયાર ન થાય, ત્યાં સુધી હોર્મુઝ બંધ જ રહેશે.
બીજી તરફ, ઈરાની નેતા ઇબ્રાહિમ અઝીઝી પણ ટ્રમ્પ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ‘ટ્રમ્પે હોર્મુઝ પર દાવા કરવાના બદલે પોતાની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ, જેથી ફરી ક્યારેય ફૂડ ટ્રકમાં છુપાવવાનો વારો ન આવે.’ આ તમામ નિવેદનબાજી વચ્ચે ટ્રમ્પે નકશો પોસ્ટ કરીને હોર્મુઝને અમેરિકાનો નવો વિસ્તાર ગણાવી વિવાદ વધુ વકેરાવ્યો છે.






