અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)-બોપલ દ્વારા કલિંગા લિટરરી ફેસ્ટિવલના સહકાર સાથે ‘કેલોરેક્સ લિટરરી ફેસ્ટિવલ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટએ ભાષા અને સાહિત્યિક શ્રેષ્ઠતાને સમર્પિત ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેનું ઉદઘાટન સત્ર અગ્રણી શિક્ષકો, લેખકો, પત્રકારો અને મહાનુભાવો વચ્ચે વિચારોના જીવંત આદાનપ્રદાન તરીકે પ્રગટ થયું હતું.
કલિંગા સાહિત્ય મહોત્સવના સી.ઈ.ઓ. અને પેટ્રન અશોક કુમાર બલે સાર્થક સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજનોની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. કલિંગ લિટરરી ફેસ્ટિવલના સ્થાપક અને પ્રમુખ રશ્મિ રંજન પરિદાએ જણાવ્યું હતું કે, આ મહોત્સવનો ઉદ્દેશ્ય, બધાને સાથે લાવતા સમાવિષ્ટ સાહિત્યિક સ્થાનોનું નિર્માણ કરવાનો છે, જે વિવિધ ભાષાઓ અને વિચારોને એકસાથે લાવે અને જેનાથી સાહિત્યિક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બને.
આ દ્રષ્ટિકોણમાં ઉમેરો કરતાં, કેલોરેક્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ., એજ્યુપ્રેન્યોર અને લેખિકા, ડૉ. મંજુલા પૂજા શ્રોફે ટેકનોલોજીને મુખ્ય સાહિત્યિક મૂલ્યો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ડિજિટલ ઈનોવેશન મારફતે, ભાષા અને સાહિત્યના અભ્યાસને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.
પ્રખ્યાત કવયિત્રી અને અનુવાદક દીપા અગ્રવાલે યુવા મનને આકાર આપવામાં કલ્પનાશક્તિની પરિવર્તનશીલ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જ્યાં વાંચનને સર્જનાત્મકતાના પ્રવેશદ્વાર તરીકે ઉજવવામાં આવે, તેવી સંસ્કૃતિ વિકસિત કરવાની હાંકલ કરી હતી. લેખિકા અને ભૂતપૂર્વ પત્રકાર સેવી કર્નેલે આજની પેઢી સાથે સંકળાયેલી, આજના જમાનાની આધુનિક કથાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાહિત્યિક વિવેચક અને ફેસ્ટીવલ એડવાઈઝર જતીન્દ્ર કુમાર નાયકે સાંસ્કૃતિક ઓળખ પર વાર્તા કહેવાની પરંપરાઓના કાયમી પ્રભાવ અંગે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ડૉ. નરોત્તમ સાહૂ (સિનિયર સાઈન્ટીસ્ટ-ગુજરાત સાયન્સ સિટી, સલાહકાર અને સભ્ય સચિવ, GUJCOST), લેખક, દિગ્દર્શક અને રંગમંચ અભિનેતા પ્રશાંત રાવલ; આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રત્નરાજ શેઠ; રાગિની ભારદ્વાજ (લેખક અને લાઈફ કોચ) તેમજ કેલોરેક્સ ગ્રુપના શૈક્ષણિક નિયામક આરતી મિશ્રા સહિત પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીએ આ ઉત્સવને સાહિત્યિક સૂઝ, વ્યાવસાયિક કુશળતા અને પ્રેરણાદાયી દ્રષ્ટિકોણથી વધુ સમૃદ્ધ બનાવ્યો હતો.
અહીં યોજાયેલા ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સે સર્જનાત્મક લેખન, પ્રકાશન અને વાર્તા રચનામાં વ્યવહારુ તાલીમ આપને આ ઉત્સવને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો. ઈનોવેટીવ સત્રોએ સાહિત્યિક સર્જનાત્મકતામાં ભાગીદાર તરીકે AIની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ સત્રોએ દર્શાવ્યું હતું કે, ટેકનોલોજી કેવી રીતે માનવ કલ્પના અને ભાષાકીય અભિવ્યક્તિને બદલવાને બદલે તેમાં વધારો કરી શકે છે!
આ મહોત્સવમાં પ્રાદેશિક ભાષાઓ, બહુભાષીતા અને ભારતના વૈવિધ્યસભર સાહિત્યિક વારસાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભાષાકીય વિવિધતાની ઉજવણી કરતા સત્રોમાં વિવિધ ભાષાઓમાં વાર્તાઓની વહેંચણી દ્વારા સાંસ્કૃતિક ઓળખ અને પરસ્પર આદર વધારવા માટે સાહિત્યની ક્ષમતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં, શાળાના વાઇસ હેડ બોય અને વાઇસ હેડ ગર્લ દ્વારા ઔપચારિક આભારવિધિ અને ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં સાહિત્યિક ઉજવણી અને વિદ્વતાપૂર્ણ આદાન-પ્રદાનની ભાવનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી.




