ભારતમાં સાયક્લિંગ મુવમેન્ટનું નેતૃત્વ કરનાર ડો. ભૈરવી જોશીનું આંતરરાષ્ટ્રીય સન્માન

નવી દિલ્હી: ભારતમાં સાયક્લિંગ કલ્ચર, એક્ટિવ મોબિલિટી અને ફિટનેસ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ડો. ભૈરવી જોશીને યુએન (UN) વર્લ્ડ બાયસિકલ ડેના સ્થાપક ડો. લેઝેક સિબિલસ્કી (Dr. Leszek Sibilski) દ્વારા પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ બાયસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ આંતરરાષ્ટ્રીય બહુમાન નવી દિલ્હી ખાતે આયોજિત વિશેષ ‘BRICS સન્ડેઝ ઓન સાયકલ’ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ‘બાયસિકલ મેયર ઓફ ઠાણે’ ચિરાગ શાહનું પણ ડો. ભૈરવી જોશીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળના તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ડેન્ટિસ્ટથી લઈને રાષ્ટ્રીય સાયક્લિંગ લીડર સુધીની સફર

વ્યવસાયે ડેન્ટિસ્ટ એવા ડો. ભૈરવી જોશીએ આશરે બે દાયકા સુધી ડેન્ટલ પ્રેક્ટિસ કર્યા બાદ સાયક્લિંગ પ્રત્યેના પોતાના આવેગને એક મોટું સામાજિક મિશન બનાવ્યું. તેમણે ગુજરાતના વલસાડના ‘બાયસિકલ મેયર’ તરીકે પોતાની આ યાત્રા શરૂ કરી હતી. તેમણે શાળાઓ અને કોલેજોમાં સાયક્લિંગ એજ્યુકેશન અને સાયકલિંગ કરિક્યુલમની શરૂઆત કરી.

ત્યારબાદ ભારતમાં સાયક્લિંગને પ્રોત્સાહન આપવા તેમણે ૨૦૨૧માં અમ્સ્ટરડેમના BYCS Globalના સહયોગથી ‘BYCS India Foundation’ની સ્થાપના કરી, જેના તેઓ હાલ ડાયરેક્ટર અને CEO છે. આજે તેમનું ‘બાયસિકલ મેયર નેટવર્ક’ દેશના ૫૬થી વધુ શહેરોમાં વિસ્તરેલું છે.

બાળકો, મહિલાઓ અને ગ્રીન સિટી માટે મોટું પ્રદાન

ડો. ભૈરવી જોશીનું કાર્ય માત્ર સાયકલ ચલાવવા પૂરતું સીમિત નથી, પરંતુ તે માર્ગ સુરક્ષા, મહિલા સશક્તિકરણ, બાળ આરોગ્ય અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ સાથે જોડાયેલું છે.

  • પુસ્તક લેખન: તેમણે ૨૦૨૫માં સેફ સ્ટ્રીટ્સ અને બાળકો માટે સુરક્ષિત માર્ગોના વિષય પર ‘Cycling, Children & Cities’ અને ‘Road to Cycle2School’ નામના મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા છે.

  • મહત્વના પ્રોજેક્ટ્સ: સુરતમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ ‘Cycle2School’ પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલી બનાવ્યો.

  • રાષ્ટ્રીય રોલ: તેઓ ‘ફિટ ઈન્ડિયા મિશન’ના સલાહકાર (Advisor) અને ‘સાયક્લિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ (CFI)ની ડેવલપમેન્ટ કમિટીના સભ્ય છે.

ગ્લોબલ સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ

યુનાઈટેડ નેશન્સ દ્વારા ૩ જૂનને ‘વર્લ્ડ બાયસિકલ ડે’ તરીકે જાહેર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડો. લેઝેક સિબિલસ્કી દ્વારા શરૂ કરાયેલ આ એવોર્ડ વિશ્વભરમાં સાયક્લિંગને દૈનિક જીવનનો ભાગ બનાવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. TEDx સ્પીકર ડો. ભૈરવી જોશીએ આ સન્માન મેળવીને ગ્લોબલ સ્ટેજ પર ભારતનું નામ રોશન કર્યું છે.