સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સંચાલક મંડળની તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં સર્વાનુમતે ડો. ધર્મિષ્ઠાબહેન નીરવભાઈ દવે (મેનેજિંગ ટ્રસ્ટી, સ્વામી વિવેકાનંદ કોલેજ, પાલીતાણા)ની સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આત્મનિર્ભર કોલેજ સંચાલક મંડળમાં પ્રથમ વખત એક મહિલા શિક્ષણવિદની પ્રમુખપદે વરણી કરવામાં આવી છે.

ડૉ. ધર્મિષ્ઠાબહેન દવે શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી નોંધપાત્ર યોગદાન આપી રહ્યાં છે. તેમના અનુભવ, દૃઢ નેતૃત્વ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને મંડળે સર્વાનુમતે તેમની પસંદગી કરી છે. તેમની વરણીને શિક્ષણજગતમાં હર્ષની લાગણી સાથે આવકારવામાં આવી છે. મંડળના હોદ્દેદારો, સભ્યો, વિવિધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકો, આચાર્યો તેમ જ શિક્ષણવિદોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં અને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. શિક્ષણની ગુણવત્તામાં વધારો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સર્વાંગી વિકાસ તથા યુનિવર્સિટી સાથે વધુ સુદૃઢ સંકલન સ્થાપવામાં તેમના નેતૃત્વ હેઠળ મંડળ નવી સિદ્ધિઓ હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.