દ્રશ્યમ 3 બોક્સ ઓફિસ કલેક્શન : વીકએન્ડમાં ફ્રેન્ચાઇઝીનો નવો રેકોર્ડ બનાવ્યો

મુંબઈ: અજય દેવગનની મોસ્ટ અવેટેડ ક્રાઇમ થ્રિલર ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ‘દ્રશ્યમ 3: ધ કન્ક્લુઝન’ (Drishyam 3: The Conclusion) એ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ વિકએન્ડ સાથે ધમાકેદાર સફળતા મેળવી છે. રિલીઝના પહેલા ત્રણ દિવસમાં જ આ ફિલ્મે વિશ્વભરમાં ₹272.80 કરોડનું ગ્રોસ કલેક્શન કરીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે.

૨ ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે ₹62 કરોડ, બીજા દિવસે ₹53.50 કરોડ અને ત્રીજા દિવસે (રવિવારે) ₹61 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹176.50 કરોડ સુધી પહોંચી ગયું છે. વિદેશી માર્કેટમાં પણ ફિલ્મે ત્રણ દિવસમાં ₹61 કરોડ ગ્રોસ એકઠા કર્યા છે.

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેના અગાઉના પાર્ટ્સ ‘દ્રશ્યમ’ (2015) અને ‘દ્રશ્યમ 2’ (2022)ના કલેક્શનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વિજય સાલગાંવકરના પાત્રમાં અજય દેવગનનો સસ્પેન્સથી ભરપૂર અંદાજ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મના કાસ્ટમાં અજય દેવગન ઉપરાંત તબુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા, જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.