મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજ્યના કુલ 358માંથી 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ અંગે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણયથી રાજ્યના આશરે 74 ટકા વિસ્તારને અસર થશે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાશિવ અને બીડ સહિતના જિલ્લાઓમાં જુલાઈ બાદ ખૂબ ઓછો અથવા નહિવત્ વરસાદ નોંધાયો છે. તેને કારણે પાક, પશુધન તેમ જ ખેડૂતો અને મજૂરોની દૈનિક પાણીની જરૂરિયાતો પર અસર પડી છે.
રાજ્ય સરકારના આંકડા મુજબ 1 જૂનથી 18 સપ્ટેમ્બર દરમિયાન છત્રપતિ સંભાજીનગર વિભાગમાં સામાન્ય 613.1 મિમીની સરખામણીએ માત્ર 424.5 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે કે વરસાદમાં 30.8 ટકાની અછત રહી હતી. ધારાશિવ સહિત મરાઠવાડાના પાંચ અન્ય જિલ્લા પણ આ વિભાગમાં આવે છે. પુણે અને નાશિક વિભાગોમાં પણ આશરે 30 ટકાની વરસાદની અછત નોંધાઈ હતી, જ્યારે અમરાવતી અને નાગપુર વિભાગોમાં લગભગ 27 ટકાની અછત રહી હતી. કોંકણ વિભાગમાં વરસાદની અછત 6.3 ટકા નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં 1 જૂનથી 18 સપ્ટેમ્બર વચ્ચે 755.9 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં 932.3 મિમી વરસાદ થવો જોઈએ. આમ, રાજ્યમાં કુલ 18.8 ટકાની વરસાદની અછત નોંધાયો છે. આ અછત દરમિયાન અલ નિનોની સ્થિતિ પણ જોવા મળી હતી.

અમરાવતી, સોલાપુર અને લાતુર સહિત ઓછામાં ઓછા છ જિલ્લાઓમાં વરસાદની અછત 40થી 50 ટકા વચ્ચે રહી છે. ખરીફ સીઝનમાં રાજ્યના ખેડૂતો સોયાબીન, કપાસ, બાજરી, મકાઈ, તુવેર, મગ અને અડદ સહિતના પાકની ખેતી કરે છે. અનેક જિલ્લાઓમાં અપૂરતા વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. આ ઉપરાંત જીવાતો અને રોગચાળાના પ્રમાણમાં પણ વધારો થયો છે. 16 સપ્ટેમ્બરે અનેક જિલ્લાઓના ખેડૂતોએ દુષ્કાળ રાહત અને પાક નુકસાનના વળતરની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે પાકના નુકસાનના સર્વે માટે પંચનામા કરવામાં આવશે અને ટૂંક સમયમાં જમીની સ્તરે ચકાસણી પણ હાથ ધરવામાં આવશે.






