સમગ્ર દેશમાં આજે વિજયાદશમી એટલે કે દશેરાના પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર અસત્ય પર સત્ય અને બુરાઈ પર અચ્છાઈની જીતના અજોડ પ્રતીક તરીકે ઓળખાય છે. દશેરાના આ પવિત્ર પ્રસંગે રાવણના પુતળા દહન કરવાની વર્ષો જૂની પરંપરા મુજબ આજે દેશના ખૂણે-ખૂણે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન નાગરિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
Delhi: Prime Minister Narendra Modi performs ‘Ravan Dahan’ by shooting a symbolic arrow at Ravana’s effigy during the Dussehra celebrations. https://t.co/JarvcdoSmN
— IANS (@ians_india) October 20, 2026
પૂર્વ દિલ્હીના આઈપી એક્સ્ટેન્શન સ્થિત ડીડીએ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય રાવણ દહન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેશવાસીઓને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે વિજયાદશમી એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. આ પર્વ આપણને સૌને સત્ય અને ધર્મની શાશ્વત શક્તિની સતત યાદ અપાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે ભારતનો દરેક ખૂણો, દરેક ગામ અને દરેક શહેર ભગવાન શ્રી રામની પવિત્ર ભાવનાથી ઓતપ્રોત થયેલું છે. સમગ્ર દેશ રામલીલાના ભક્તિમય રંગમાં ડૂબેલો છે અને દેશભરમાં યોજાઈ રહેલી રામલીલાઓ ભગવાન શ્રી રામના મહાન આદર્શોને જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે.
Delhi: President Droupadi Murmu performs ‘Ravan Dahan’ by shooting a symbolic arrow at Ravana’s effigy during the Dussehra celebrations in Dwarka Sector 10. https://t.co/9x3VMXF0Xz
— IANS (@ians_india) October 20, 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વારકામાં કર્યું રાવણ દહન
રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાવણનું દહન કર્યું હતું. દ્વારકા રામલીલા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ખાસ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું હતું કે દશેરાના શુભ અવસરે દેશ અને વિદેશમાં અનેક સ્થળોએ આયોજિત રામલીલાઓના માધ્યમથી કરોડો લોકો રામકથાના મહાન આદર્શો અને મૂલ્યોને યાદ કરે છે.
પટનામાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાવણ દહન
બિહારના પટના સ્થિત ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે પણ વિજયાદશમીના પર્વ પર ભવ્ય રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ પ્રસંગે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન, નાગાલેન્ડના રાજ્યપાલ નંદ કિશોર યાદવ અને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ હાજરી આપીને ઉત્સવની શોભા વધારી હતી.
લુધિયાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર
પંજાબના લુધિયાણામાં આવેલા દરેસી રોડ સ્થિત રામલીલા મેદાન ખાતે પણ દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિજયાદશમી કાર્યક્રમમાં વિશેષરૂપે હાજરી આપીને દેશવાસીઓને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેવી જ રીતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત દશેરા મહોત્સવમાં સામેલ થયા હતા. વિજયાદશમીના આ કાર્યક્રમ દરમિયાન પરેડ ગ્રાઉન્ડ ખાતે રાવણનું 181 ફૂટ ઊંચું વિશાળ પુતળું દહન કરવામાં આવ્યું હતું, જેની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું પણ દહન કરાયું હતું.
Gorakhpur, Uttar Pradesh: Chief Minister Yogi Adityanath addresses the Dussehra ceremony at the Ramlila ground https://t.co/iaRwuwQ7RM
— IANS (@ians_india) October 20, 2026
રામલીલા મેદાન ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સંબોધન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રામલીલા મેદાન ખાતે આયોજિત દશેરા મહોત્સવમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે આજે તમામ રામલીલાઓમાં દશાનન રાવણના પુતળા સળગાવવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં રાવણ કોણ છે? તેના 10 મસ્તક શેનું પ્રતીક છે? રાવણનું એક મસ્તક અધર્મનું છે, એક અસત્યનું, એક અન્યાયનું, એક અત્યાચારનું, એક અમર્યાદાનું, એક ભ્રષ્ટાચારનું, એક દુરાચારનું, એક ભ્રમનું, એક દુષ્પ્રચારનું અને દસમું મસ્તક નશાનું પ્રતીક છે.






