દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણીના પરિણામોમાં આ વખતે એક મોટો ઊલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI માંથી ટિકિટ ન મળતાં બળવો કરનાર વિદ્યાર્થી નેતા દીપાંશુ શૌકીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કેમ્પસની રાજકારણમાં મોટા વિદ્યાર્થી સંગઠનોને પાછળ છોડીને દીપાંશુએ વાઇસ પ્રેસિડેન્ટ પદ પર કબ્જો જમાવ્યો છે.
14,000 થી વધુ મતોના માર્જિનથી જીત
ચૂંટણીના ફાઇનલ પરિણામો મુજબ વાઇસ પ્રેસિડેન્ટ પદ પર દીપાંશુ શૌકીનને કુલ 30,615 વોટ મળ્યા હતા. તેમણે પોતાના નજીકના હરીફ અને ABVP ના ઉમેદવાર ઇશુ મૌર્યાને લગભગ 14,000 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. ABVP ના ઇશુ મૌર્યાને કુલ 16,910 વોટ મળ્યા હતા.

સાધારણ પરિવારમાંથી આવે છે દીપાંશુ
દિલ્હીના પીરાગઢી ગામના નિવાસી દીપાંશુ શૌકીનની પૃષ્ઠભૂમિ ખૂબ જ સાધારણ છે. તેમના પિતા બસ કંડક્ટર છે અને માતા આંગણવાડી કાર્યકર તરીકે સેવા આપે છે. ભગત સિંહ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ હાલમાં તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી જ બુદ્ધિસ્ટ સ્ટડીઝમાં અભ્યાસ કરી રહ્યા છે.
NSUI એ ઉમેદવારી પાછી ખેંચવા કહ્યું હતું
દીપાંશુ છેલ્લા ઘણા મહિનાઓથી DUSU ની રાજકારણમાં સક્રિય હતા અને NSUI સાથે જોડાયેલા હતા. શરૂઆતમાં તેમને વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવવા જણાવાયું હતું, પરંતુ બાદમાં સંગઠન દ્વારા ફોર્મ પાછું ખેંચવા દબાણ કરવામાં આવ્યું હતું. દીપાંશુએ નમતું ન જોખ્યું અને અપક્ષ તરીકે જ મેદાનમાં ટકી રહ્યા. ચૂંટણી પ્રચારની શરૂઆતથી જ તેઓ રેસમાં સૌથી આગળ રહ્યા અને અંતે શાનદાર જીત મેળવી.
પ્રેસિડેન્ટ અને જોઇન્ટ સેક્રેટરી પદ પર ABVP નો કબજો
DUSU ની અન્ય બેઠકોની વાત કરીએ તો
પ્રેસિડેન્ટ (પ્રમુખ): ABVP ના યશ ડબાસે કડક ટક્કર બાદ જીત મેળવી છે, જ્યારે NSUI ના વિજય શંકર મીણા બીજા ક્રમે રહ્યા હતા.
જોઇન્ટ સેક્રેટરી (સહ-મંત્રી): ABVP ના લક્ષ્યરાજ સિંહ 16,615 વોટ મેળવીને વિજેતા બન્યા છે. સમાજવાદી છાત્ર સભાના વિશેષ યાદવ 15,778 વોટ સાથે બીજા ક્રમે અને NSUI ના ગોપાલ ચૌધરી 15,602 વોટ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
જીત બાદ દીપાંશુનો ભાવુક સંદેશ
DUSU ના નવા વાઇસ પ્રેસિડેન્ટ બન્યા બાદ દીપાંશુએ દિલ્હી યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓનો આભાર માનતા સોશિયલ મીડિયા પર લખ્યું, “અપક્ષ તરીકે લડવું સરળ નહોતું, પરંતુ તમે સાબિત કરી દીધું કે સંગઠનો કરતાં વિદ્યાર્થીઓનો ભરોસો મોટો હોય છે. આ જીત મારી નહીં પરંતુ કેમ્પસના વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરવા માંગતા દરેક વિદ્યાર્થીની છે. હવે જવાબદારી વધુ વધી ગઈ છે.”

